Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ખાસ એનઆઈએ કોર્ટે સલ્લાને આજીવન કેદની સજા ફટકારેલી

સલ્લાની જપ્ત કરેલી સંપતિ અને દંડના રૂ. 5 કરોડ પરત આપો - હાઈકોર્ટ

મુંબઈથી દિલ્હી જતી ફ્લાઈટને વર્ષ 2017માં હાઇજેક કરવાની ધમકી આપવાના કેસમાં મુંબઇના આરોપી ઝવેરી બીરજુ સલ્લાને હાઇકોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે. સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે બીરજુ સલ્લાને આજીવન કેદની સજા ફટકારી હતી. જે સજાને હાઈકોર્ટે રદ કરી છે. હાઈકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, બિરજુ સલ્લાની જપ્ત કરાયેલી સંપત્તિ અને દંડ પેટે લેવાયેલા રૂ..પાંચ કરોડ પણ તેને પરત આપો.

મહત્વનુ છે કે, દિલ્હીની એરલાઇન્સમાં કામ કરતી પોતાની પ્રેમિકા મુંબઇ શીફ્ટ થઇ જતા બિરજુ સલ્લાએ તેને ડરાવવા માટે 30-10-2017ના રોજ મુંબઇથી દિલ્હી જતી જેટ એરવેઝની ફ્લાઇટના ટોઇલેટમાં પ્લેન હાઇજેક કરવાની ધમકી આપતો પત્ર મૂક્યો હતો. આ પત્રમાં લખ્યું હતું કે ફ્લાઇટમાં હાઇજેકર્સ હાજર છે. આ લખાણ ધ્યાને આવતા વિમાનનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. આ કેસમાં બિરજુ સલ્લાની ધરપકડ કરાઇ હતી. સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે બીરજુ સલ્લાને એન્ટી હાઇજેકીંગ એકટ હેઠળ દોષિત ઠરાવ્યો હતો અને તેને 119 પેસેન્જરના જીવને જોખમમાં મૂકવાના આરોપમાં આજીવન કેદની સજા અને રૂ. પાંચ કરોડનો દંડ ફટકારેલો. એન્ટી-હાઇજેકીંગના કાયદા હેઠળ સજા પામનાર સલ્લા પહેલો આરોપી હતો.

સુનાવણી દરમિયાન, બિરજુ સલ્લાના વકીલની રજૂઆત હતી કે, આ કેસમાં આરોપીનો પ્લેન હાઇજેકનો કોઇ પ્લાન હતો જ નહી, માત્ર ધમકીભર્યો પત્ર મળ્યો છે અને હાઇજેકીંગની વાત તો માત્ર અફવા સાબિત થઇ છે. આ કેસમાં એન્ટી હાઇજેકીંગ એકટની કલમ-3(2)(A) લાગુ પડતી નથી. આરોપી પાસેથી જડતી દરમ્યાન કંઇ મળી આવ્યુ નથી. જે ધમકીનો આરોપ તપાસનીશ એજન્સીએ લગાવ્યો છે તે વિશ્વસનીય કે આધારભૂત ગણી શકાય નહી. આરોપી વિરૃધ્ધ તેને સજા થઇ શકે તેવા દસ્તાવેજી કે મૌખિક પુરાવા પણ નહી હોવાછતાં ટ્રાયલ કોર્ટે તેને સજા કરી ભૂલભરેલો ચુકાદો જાહેર કર્યો હતો. આરોપીને ધમકીભર્યા પત્ર સાંકળતો કોઇ પુરાવો રેકર્ડ પર આવ્યો નથી. સૌથી મહત્ત્વનું કે, તપાસનીશ એજન્સીનો આરોપ હતો કે, આરોપીએ પોતાના લેપટોપમાં ધમકીભર્યો પત્ર ટાઇપ કરી તેની પ્રિન્ટ પોતાના પ્રિન્ટરમાંથી કાઢી હતી પરંતુ તેમ સાબિત કરતો પુરાવો કયાંય આવતો નથી. આ સંજોગોમાં હાઇકોર્ટે અરજદારને સ્પેશ્યલ એનઆઇએ કોર્ટ દ્વારા ફટકારાયેલી જીવન પર્યંત આજીવન કેદની સજા અને પાંચ કરોડ રૃપિયાના દંડની સજાનો હુકમ રદબાતલ ઠરાવવો જોઇએ.