Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- હાઈકોર્ટનો સરકારને નિર્દેશ, ગૌચરની જમીન મુદ્દે સરકારે વર્ષ 2015માં બનાવેલી નીતિના અમલ માટે શું પગલા લીધા તે જણાવો

- સરકારની નીતિનો જ અમલ કરાતો નથી - અરજદાર

અમદાવાદ: રાજયમાં ગૌચરની જમીન પરનું અતિક્રમણ અને દબાણો દૂર કરાવવા અને ગૌચરની જમીનો પશુધન માટે ખુલ્લી કરવાની માગ સાથે થયેલી પીઆઈઅલમાં હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો છે કે, ગૌચરની જમીનો પરથી દબાણો દૂર કરવા સરકાર દ્વારા વર્ષ 2015માં ઘડાયેલી નીતિની અમલવારી સંદર્ભે શું પગલાં લેવાયા છે, તે રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી 11 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, અરજદારની રજૂઆત હતી કે, ગુજરાત રાજયમાં આશરે બે કરોડથી વધુ પશુધન છે અને તેની સામે 43 લાખ હેકટર ગૌચરની જમીનની જરૂરિયાત રહે છે, પરંતુ રાજયભરમાં ગૌચરની જમીનો પર ગેરકાયદે દબાણો અને ભારે અતિક્રમણ થઇ ગયુ હોઇ ગૌચરની જમીનો હવે રહી નથી. ખુદ રાજય સરકાર દ્વારા 01-04-20015ના પરિપત્રથી ગૌચરની જમીનો પરથી દબાણો દૂર કરવા અંગેની એક પોલિસી અમલી બનાવી હતી પરંતુ કમનસીબ વાત એ છે કે, ખુદ સરકારની જ આ નીતિનો વાસ્તવિક અમલ થઇ રહ્યો નથી. પાછલા દસ-વીસ વર્ષોમાં વધુ પડતા દબાણો અને અતિક્રમણ ગૌચરની જમીનો પર થઇ ગયા છે અને તેને દૂર કરવા માટે સરકાર દ્વારા કોઇ જ અસરકાર પગલાં લેવાયા નથી. સરકારની નીતિ પ્રમાણે, સેટેલાઇટ મેપીંગથી ગૌચરની જમીનની હદ અને તેની પર કેટલા દબાણો છે તે બધુ નક્કી કરવાનું હોય છે પરંતુ  સરકાર દ્વારા સેટેલાઇટ મેપીંગની જરૂરી કામગીરી પણ કરવામાં આવી નથી.

બીજી તરફ, સરકારે આ પીઆઈએલના મુદ્દે જવાબ રજૂ કરવા માટે ચાર સપ્તાહના સમયની માંગણી કરી હતી. જે માગન હાઈકોર્ટે સ્વીકારી હતી.