Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: રાજયમાં અશાંત ધારાની જોગવાઇઓને ગેરબંધારણીય અને રદબાતલ જાહેર કરવાની માગ સાથે થયેલી અરજીમાં બંધારણીય મુદ્દાઓ ઉપસ્થિત કરાયા હોવાથી હાઈકોર્ટે એડવોકેટ જનરલને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી ત્રણ સપ્તાહ બાદ હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, અશાંત ધારો જે પણ વિસ્તારમાં લાગુ કરાય તો સંબંધિત સત્તાવાળાઓએ આ કાયદો કે તેની જોગવાઇઓ લાગુ પાડતાં પહેલાં તે વિસ્તારના સ્થાનિક નાગરિકો અને રહેવાસીઓને સાંભળવા પડે અને તેમના વાંધા-સૂચનો ધ્યાનમાં લેવા પડે. આ પછી  જ અશાંત ધારો કે તેની જોગવાઇઓ લાગુ પાડી શકાય. જો કે, સરકાર અને તેના સત્તાવાળાઓ દ્વારા આ જોગવાઇઓ કે કાયદાકીય પ્રક્રિયાનુ અનુસરણ કર્યા વિના જ જે તે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરી દેવાય છે. અશાંત ધારાનું જાહેરનામું ત્રણ વર્ષની સમયમર્યાદા માટે લાગુ થઇ શકે પરંતુ સરકાર અને તેના સત્તાવાળાઓ દ્વારા અમર્યાદિત સમય અને મુદત માટે આ કાયદો અને તેની જોગવાઇઓ લાગુ પાડી અમલી બનાવવામાં આવે છે અને પરિણામે પરિસ્થિતિ એ થાય છે કે,  મિલ્કતના મૂળ માલિકના વારસદારો પણ વર્ષો સુધી તેમની મિલ્કતો વેચી શકતા નથી અને તેમના બંધારણીય તેમ જ મૂળભૂત અધિકારથી વંચિત રહી જાય છે. આ સંજોગોમાં હાઇકોર્ટે સમગ્ર મામલે દરમ્યાનગીરી કરી રાજય સરકાર સહિતના સત્તાવાળાઓને જરૂરી આદેશો જારી કરવા જોઇએ.