Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- ટ્રાયલ કોર્ટે હકીકત ધ્યાને લેવામાં ગંભીર ચૂક દાખવી - હાઈકોર્ટ

- ટ્રાયલ કોર્ટે મહિલા ડોક્ટરને બિનતહોમત છોડેલા, જેની સામે હાઈકોર્ટમાં અપીલ કરાયેલી

અમદાવાદ: પ્રિ-કન્સેપ્શન અને પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનિક્સ (પીસી એન્ડ પીએનડીટી)એકટની જોગવાઇઓના ભંગ હેઠળ વડોદરાના મહિલા તબીબ કલ્પના વૈદ્યને કેસમાંથી બિનતહોમત છોડી મૂકવાના હુકમને ગુજરાત હાઇકોર્ટે ગેરકાયદે અને રદબાતલ ઠેરવ્યો છે. વડોદરા ડિસ્ટ્રીકટ એપ્રોપ્રિએટ ઓથોરીટી દ્વારા કરાયેલી અપીલને હાઈકોર્ટે મંજૂર રાખી છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે, પીએનડીટી એકટની કલમ-૨૮(૧) હેઠળ જયારે એપ્રોપ્રિએટ ઓથોરીટીએ એફઆઇઆર દાખલ કરી હોય તો ટકવાપાત્ર ઠરે છે. આ કેસમાં પીસી-પીએનડીટી એકટની કલમ-૨૮(૧)(બી)ની જોગવાઇની અમલવારી નહી થઇ હોવાના એકમાત્ર ગ્રાઉન્ડ પર ફરિયાદ રદ કરી દેવાઇ હતી ત્યારે ઓરીજનલ એફઆઇઆર પુર્નજીવિત થાય છે. હાઈકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, ટ્રાયલ કોર્ટ ડોક્ટર વિરૂદ્ધનો કેસ છ માસમાં પૂર્ણ કરીને નિર્ણય આપે. બંને પક્ષના પક્ષકારો ટ્રાયલને ઝડપથી પૂર્ણ કરવામાં સહકાર આપે.  

હાઈકોર્ટે તેના ચુકાદામાં એ પણ નોંઘ્યું છે કે, આ કેસમાં એપ્રોપ્રિએટ ઓથોરીટી દ્વારા એફઆઇઆર દાખલ થઇ છે અને ખુદ સરકારના જાહેરનામાથી તેને અધિકૃત કરાઇ છે, ત્યારે કાયદાકીય જોગવાઇઓનું પૂરતું પાલન થયુ છે. ટ્રાયલ કોર્ટે પીએનડીટી એકટની કલમ-૨૮નું પાલન નહી થયુ હોવા અંગેની હકીકત ધ્યાને લેવામાં ગંભીર ચૂક દાખવી છે. એપ્રોપ્રીએટ ઓથોરીટીના બદલે અન્ય વ્યકિતએ ફરિયાદ નોંધાવી હોય ત્યારે કલમ-૨૮(૧)ની કલોઝ(બી) લાગુ પાડવાની વાત આવે પરંતુ આ કેસમાં તો એપ્રોપ્રિએટ ઓથોરીટીએ જાતે જ એફઆઇઆર નોંધાવી છે, તેથી તેમની અપીલ મંજૂર કરવામાં આવે છે અને આરોપી મહિલા તબીબને ડિસ્ચાર્જ કરતો હુકમ રદબાતલ કરાય છે.

મહત્વનુ છે કે, આ કેસમાં ટ્રાયલ કોર્ટે મહિલા તબીબને પીએનડીટી એકટની જોગવાઇઓના ભંગના ગુનામાં ડિસ્ચાર્જ કર્યા (બિન તહોમત છોડી મૂકતા) હતા. જેની સામે વડોદરા ડિસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી દ્વારા અપીલ કરાયેલી. જેમાં જણાવેલુ કે પીસી-પીએનડીટી એકટની જોગવાઇઓના ભંગ બદલ આરોપી મહિલા તબીબ વિરૂદ્ધ પ્રથમદર્શનીય ગુનો બને છે. આરોપી મહિલા તબીબે પીએનડીટી એકટની જોગવાઇ હેઠળ ફોર્મ એફ ભર્યા ન હતા અને તેની જોગવાઇઓનું અનુસરણ કર્યુ ન હતું. તેથી  ડિસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટીએ આરોપી મહિલા તબીબ વિરૃદ્ધ કાયદેસર ફરિયાદ નોંધાવી હતી. ટ્રાયલ કોર્ટના જજે પીએનડીટી એકટની કલમ-૨૮ની જોગવાઇઓ ધ્યાનમાં લેવામાં ગંભીર ચૂક દાખવી છે. આ કેસમાં કાયદામાં નિર્દિષ્ટ આદેશાત્મક જોગવાઇઓનું અનુસરણ કરવામાં આવ્યું છે. જે જોગવાઇ મુજબ, વડોદરા જિલ્લા પંચાયતના ચીફ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર કે જે એપ્રોપ્રિએટ ઓથોરીટી છે તેમના દ્વારા આ કેસમાં આરોપી મહિલા તબીબ વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરાઈ છે. કલમ-૨૮(૧) હેઠળ જો એપ્રોપ્રિએટ ઓથોરીટી દ્વારા એફઆઇઆર દાખલ થઇ હોય તો તે ટકવાપાત્ર બને છે. સરકારના 09-11-2001ના જાહેરનામામાં એપ્રોપ્રિએટ ઓથોરીટીને આ માટે અધિકૃત કરાયા છે અને તે અંગેની સત્તા બક્ષવામાં આવી છે. ટ્રાયલ કોર્ટનો હુકમ ખોટો,  ભૂલભરેલો અને ક્ષતિયુકત છે. જેથી, હાઇકોર્ટ આ હુકમને રદ કરે.