Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાતનાં જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો આજે વિધિવત પ્રારંભ થયો છે. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા એક દિવસ પહેલા જ ગિરનારનો પ્રવેશ ગેટ ખોલ્યો હતો. એટલે કે ગઇકાલે 50 હજારથી વધુ ભાવિકોએ પરિક્રમા રૂટ પર પ્રવેશ કરી લીધો હતો.

36 કિલોમીટર લાંબી આ પરિક્રમા કરવા માટે દેશના ખૂણે-ખૂણેથી ભાવિકો ઉમટ્યા છે. ભક્તોમા ગિરનારની લીલી પરિક્રમાને લઇને ખૂબ ઉત્સાહ જોવાઈ રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ જ પૌરાણિક મહત્વ છે.

ભાવિકો રાજકોટથી જૂનાગઢ સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત ST વિભાગ તરફથી 100 જેટલી એક્સ્ટ્રા બસ મુકાઇ છે. 5 દિવસ સુધી આ એક્સ્ટ્રા બસ દોડાવાશે.  સાહિત્યકાર શાહબુદ્દીન રાઠોડે પણ પરિક્રમામાં આવતા ભક્તોને રુટ પર ગંદકી ન કરવા માટે અપીલ કરી છે.

ગુજરાતમાં હાર્ટ અટેકના બનાવમાં વધારો જોવા મળ્યો છે જેને ધ્યાનમાં લઈને ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન જો આવી કોઈ ઘટના બને તો ભાવિકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સજાગતા રખાઇ છે. જિલ્લા પંચાયત ખાતે ૮૦ જેટલા અન્નક્ષેત્રોના સંચાલકો ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાના લોકોને નિષ્ણાંત ડોક્ટરો દ્ધારા CPRની તાલીમ અપાઈ હતી. આ તાલીમ લોકોના જીવ બચાવવા માટે ખૂબ જરૂરી છે. આ સાથે કલેક્ટરે અન્નક્ષેત્રના સંચાલકોને કોઈ ગંદકી ન કરવાની અપીલ પણ કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકોના સહયોગથી આપણા ગિરનારને સ્વચ્છ અને સુંદર જાળવી રાખીશું.                              

યાત્રા દરમિયાન ભાવિકોને મેડિકલ સેવા મળી રહે માટે 108ની વ્યવસ્થા પણ તૈનાત કરવામાં આવી છે. કેટલાક રૂટના અંતરે 108 સેવા સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. લીલી પરિક્રમા શરુ થવા પૂર્વે શેરનાથ બાપુ દ્વારા ભાવિકોને ગંદકી ન કરવા અને જંગલનું જતન કરવા માટે અપીલ કરાઇ હતી. ભાવિકોને ખાસ કરીને પ્લાસ્ટિક જંગલમાં ન ફેંકવા તેમજ તંત્રને સહયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. મોટા ભાગના ભાવિકો અહીં એક બે નહી પરંતુ વર્ષોથી આ લીલી પરિક્રમાનો લ્હાવો લેવા આવતા હોય છે. પ્રકૃતિની મજા માણવાના હેતુ સાથે અહીં લોકો પુણ્યનું ભાંથુ બાંધવા માટે પણ આવે છે. પરિક્રમાને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

આ પણ વાંચો : TRB જવાનોને છૂટા કરવાના પરિપત્ર બાદ સી.આર.પાટીલનું સૌથી મોટું નિવેદન