Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર જાણીને તમને પણ આશ્ચર્ય થશે પણ આ વાત એકદમ સત્ય છે.  વાસ્તવમાં પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીની આવક થઈ હતી. પોરબંદરના આદિત્યાણા વિસ્તારમાં આ વર્ષે 5 મહિના પહેલા જ આંબામાં કેરી જોવા મળી રહી છે. સામાન્ય રીતે કેરી તો ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારમાં આવતી હોય છે પણ વાતાવરણમાં બદલાવ કે પછી કુદરતની કમાલના કારણે ઉનાળાના બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવ્યો છે અને આ વાત ખેડૂતથી લઈ વેપારીઓ સહિત સૌ કોઈમાં આશ્ચર્ય ફેલાયું હતું.

પોરબંદરના આદિત્યાણાના જાબુંવતી ગુફા નજીક આવેલા નાગજણભાઈ બોખીરીયાના આંબાના બગીચામાં પાક આવવાનું શરૂ થયું છે. ખેડૂતને ખેતરમાં 500 કેસર કેરીના આંબા છે. ખેડૂત સોમવારના રોજ કેસર કેરીના બે બોક્સ લઈ યાર્ડમાં વહેંચવા પહોંચ્યો હતો. ત્યાં જ ફ્રુટના વેપારીએ ગુલાબના પુષ્પ વડે સ્વાગત કર્યું અને ખેડૂતને પેંડા ખવડાવી મો- મીઠું કરાવ્યું હતું. ખેડૂતનું કેરીનું એક બોક્સ 7000 રૂપિયામાં વહેંચાયું હતું.

 માવઠાના કારણે ખેડૂતોને નુકસાન

 રાજ્યમાં રવિવારે વરસેલા કમોસમી વરસાદના કારણે ઘણા ખેડૂતોને નુકસાન થયું હતું. જ્યાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોના ઘઉં, કપાસ, ચણા, જીરૂ અને ઘાસચારાના પાકને ઘણું નુકસાન થયું છે. કપાસ, એરંડા, મકાઈ અને સોયાબીનના પાકને પણ નુકસાન થયું છે. આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, માવઠાના કારણે શેરડી, ડાંગર અને શાકભાજીના પાકોને નુકસાન થયું છે.

 જ્યારે ઉત્તર ગુજરાતમાં પપૈયાનો પાક ભારે પવનના કારણે ઘણું નુકસાન થયું છે. ખેડૂતોનો દાવો છે કે મોંઘાદાટ ભાવે બિયારણ ખરીદી પાકનું વાવેતર કર્યું હતું. કેટલોક પાક તો તૈયાર થવાને આરે પહોંચ્યો હતો ત્યાં જ કમોસમી વરસાદ વરસતા આ પાક હવે નિષ્ફળ થવાની ભીતિ છે. બનાસકાંઠાના પાલનપુર પાસેના મલાણા ગામમાં એરંડાનો પાક તૈયાર હતો. સારો પાક હોવાથી ખેડૂતો પણ રાજી હતા ત્યાં તો કમોસમી વરસાદ વરસતા પાક નિષ્ફળ ગયો છે.

આ પણ વાંચો : વ્યાજે પૈસા લઈ કર્યું હતું પાકોનું વાવેતર,માવઠાના લીધે ખેડૂતોનો કોળિયો છીનવાઈ ગયો