Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

મેજીસ્ટ્રેટ સમક્ષ તાજના સાક્ષીનુ 164 મુજબ નિવેદન લેવાયુ હોય સહ આરોપીને ઉલટતપાસની તક ન અપાઈ, જેથી આ નિવેદન ટકવાપાત્ર નથી – પ્રદીપ શર્મા

વેલસ્પન કંપનીને સસ્તા ભાવે જમીન આપવાનો કેસ

પ્રદીપ શર્માએ હાઈકોર્ટમાં અરજી કરી

ભૂતકાળમાં પીએમએલએ કોર્ટે પ્રદીપ શર્માની અરજી ફગાવેલી

મેજિસ્ટ્રેટ સમક્ષ તાજના સાક્ષીનુ કલમ ૧૬૪નું નિવેદન નોંધ્યા બાદ તેની ઉલટતપાસ કરવાનો સહઆરોપીને અધિકાર કે હક્ક તેમ જ તક ના અપાઇ હોય તો તેવા સંજોગોમાં કલમ-૧૬૪ હેઠળનું નિવેદન પુરાવા તરીકે ગ્રાહ્ય જ રાખી શકાય નહી અને તેને આંક પાડી શકાય નહી, તેવો કાયદાકીય મુદ્દો ઉપસ્થિત કરતી અરજી કચ્છ-ભુજના ભૂતપૂર્વ કલેકટર પ્રદીપ શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં કરી છે. સુનાવણી બાદ હાઈકોર્ટે અરજદારને નિર્દેશ આપ્યો છે કે, અરજદારે જે કાયદાકીય મુદ્દો ઉઠાવ્યો છે તેના સમર્થનમાં સુપ્રીમકોર્ટ કે હાઇકોર્ટના અન્ય કોઇ ચુકાદાઓ હોય તો તે રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી સાત ઓગષ્ટે હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, આ કેસમાં અસીમ  ચક્રવર્તી પોતે જ એક આરોપી છે કે જેનું ફરિયાદમાં નામ છે અને તેની વિરૃધ્ધ ચાર્જશીટ પણ દાખલ કરાયું છે. હવે જયારે આ કેસની ટ્રાયલ ચાલવા પર આવી છે ત્યારે અસીમ ચક્રવર્તીએ પોતાને આ કેસમાં તાજના સાક્ષી બનાવવા કરેલી અરજી ટ્રાયલ કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને તેનું સીઆરપીસીની કલમ-૧૬૪ હેઠળનું નિવેદન નોંધવા પણ હુકમ કર્યો હતો. જેને પગલે ૨૭-૪-૨૩ ના રોજ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ સમક્ષ તેનું ૧૬૪નું નિવેદન નોંધવામાં આવ્યું હતું.  પરંતુ આમ કરતાં પહેલાં કોર્ટે અરજદારને નોટિસ પણ કાઢી નહી કે તેમને આ સાક્ષીની ઉલટતપાસ કરવી હોય તો તે માટે પણ બોલાવ્યા નહી. ત્યારબાદ ટ્રાયલમાં તેને જુબાની માટે બોલાવ્યા ત્યારે સરકારે ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂઆત કરીને માગ કરેલી કે અસીમ ચક્રવર્તીના આ નિવેદનને  પુરાવા તરીકે એકઝીબીટ(આંક) પાડવામાં આવે.

અરજદારે તેનો વિરોધ કરતા વાંધા અરજી આપેલી કે તાજના આ સાક્ષીના ૧૬૪ના નિવેદનને પુરાવા તરીકે ગ્રાહ્ય ન રાખો અને આંક પણ ન પાડો. જો કે, ટ્રાયલ કોર્ટે કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો અને ગુજરાત હાઇકોર્ટના આ અંગેના ચુકાદાઓને ધ્યાનમાં લીધા વિના અરજદારની અરજી નામંજૂર કરી છે. અરજદારે હાઈકોર્ટ સમક્ષ એ પણ રજૂઆત કરી હતી કે, કલમ-૧૬૪નું નિવેદન નોંધ્યા બાદ તાજના સાક્ષીની ઉલટતપાસ કરવાની અરજદારને તક પૂરી પડાઇ નથી કે જે ખરેખર તો અરજદારનો કાયદેસર હક્ક અને અધિકાર છે પરંતુ તેમછતાં અરજદારને તાજના સાક્ષીને ઉલટતપાસની તક આપ્યા વિના જ આ નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ રૂબરૃ નોંધાયુ છે અને તેની કાયદેસરતા ટકતી નથી. તેથી તેને પુરાવા તરીકે ગ્રાહ્ય રાખી શકાય નહી અને તે કારણથી તેનો એકઝીબીટ(આંક) પાડી શકાય નહી.

કેસની વિગત જોઈએ તો, ભુજ કલેકટર તરીકેના કાર્યકાળ દરમ્યાન વેલસ્પન કંપનીને સસ્તા ભાવે જમીન ફાળવણીના અને આર્થિક લાભ મેળવવાના ભ્રષ્ટાચાર અંગેના શિડયુલ ઓફેન્સના ગુનામાં પ્રદીપ શર્માની સાથે આરોપી તરીકે વેલસ્પન કંપનીના ડાયરેકટર અસીમ ચક્રવર્તીનો પણ સમાવેશ થતો હતો. જો કે, તેને તાજનો સાક્ષી બનાવી તેનું કલમ-૧૬૪ હેઠળ નિવેદન નોંધ્યા બાદ તેની ઉલટતપાસ કરવાની મંજૂરી નહી આપવાના તેમ જ તેના નિવેદનને પુરાવા તરીકે આંક નહી આપવાની પ્રદીપ શર્માની અરજી પીએમએલએ કોર્ટે નકારી હતી. જેની સામે પ્રદીપ શર્માએ હાઈકોર્ટમાં અરજી કરી છે.

કોઇપણ કેસમાં એકઝીબીટ કે આંક કેમ મહત્ત્વનો?

કોઇપણ કેસના ટ્રાયલમાં કોર્ટ દ્વારા કોઇ નિવેદન કે પુરાવાને એકઝીબીટ(આંક) પાડવામાં આવે તો તે પુરાવાને કોર્ટ ધ્યાનમાં લઇ શકે છે અને તેના આધારે આરોપીને સજા થઇ શકે છે તેથી કોઇપણ પુરાવાને આંક પડે તો તેનું મહત્ત્વ આપોઆપ વધી જતુ હોય છે. આ કેસમાં પણ પ્રદીપ શર્માએ તેની સાથેના આરોપી એવા ચક્રવર્તીને તાજનો સાક્ષી બનાવી તેના ૧૬૪ના નિવેદનને તેમની જ સામે ટ્રાયલમાં ઉપયોગ કરવાના સરકારના વલણને કોર્ટ સમક્ષ પડકાર્યુ છે. 

શર્માએ સોહરાબ કેસના હાઇકોર્ટના ચુકાદાઓનો આધાર લીધો

પ્રદીપ શર્માએ સોહરાબુદ્દિન નકલી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ વિ. એન. કે. અમીન અને રાજકુમાર પાંડિયન વિ. સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદાનો આધાર લીધો છે. જેમાં હાઇકોર્ટે ઠરાવ્યુ હતું કે, તાજના સાક્ષીનું કલમ-૧૬૪ હેઠળનું નિવેદન નોંધાય ત્યારે સહઆરોપીને પણ એ સમયે તેની ઉલટતપાસ કરવાનો અધિકાર છે.

આ પણ વાંચો : આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશની જામીન અરજી પર અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટે નવ ઓગષ્ટ સુધી ચુકાદો અનામત રાખ્યો