Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટ 19 ઓગષ્ટે ચુકાદો આપે તેવી સંભાવના

પ્રજ્ઞેશ પહેલા કેન્સરની બિમારીનો ઉલ્લેખ કર્યો નથી અને તેના નક્કર પુરાવા પણ રજૂ કર્યા નથી - સરકાર

અમદાવાદ: ઈસ્કોન બ્રિજ પર નવ લોકોને કચડી નાખવાના કેસમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટે 19 ઓગષ્ટ સુધી ચુકાદો અનામત રાખ્યો છે.

સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારના વકીલે પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે ભૂતકાળમાં કોર્ટે અરજદારની કાયમી જામીન અરજી ફગાવી દીધેલી છે. જેમાં કેન્સરની બિમારીનો ક્યાંય પણ ઉલ્લેખ કરાયો જ નથી. અરજદારની રજૂઆત છે કે, તેને વર્ષ 2019થી કેન્સરની બિમારી છે. જો કે, ભૂતકાળમં કોર્ટે ફગાવેલી કાયમી જામીન અરજીમાં અરજદારે ક્યાંય પણ આ બિમારીનો ઉલ્લેખ જ કર્યો નથી. તેણે આ બિમારી સંદર્ભે સારવાર લીધી હોય તેના નક્કર પુરાવા રજૂ કરાયા નથી. જે પણ કાગળો રજૂ કરાયા છે, તે માત્ર રસીદો જ છે. જેના લીધે સારવાર ચાલુ હોવાનું ફલિત થતુ નથી. જો અરજદારને આટલી ગંભીર બિમારી હતી તો તેણે ભૂતકાળમાં ફગાવાયેલી કાયમી જામીન અરજીમાં શા માટે દર્શાવી નહીં, હવે તેઓ આ કારણ દર્શાવે છે, જે શંકા અને સવાલો ઉભા કરે છે. અરજદારની વચગાળાની જામીન અરજી મંજૂર કરવામાં આવે નહીં.

બીજી તરફ, અરજદારના વકીલની રજૂઆત હતી કે અરજદારને વર્ષ ૨૦૧૯થી મોઢાનું કેન્સર છે અને તેની સતત સારવાર ચાલી રહી છે. દેશમાં એક માત્ર મુંબઇની ટાટા હોસ્પિટલમાં જ ટાંકા લીધા વગર ટ્રીટમેન્ટ થાય છે. આ હોસ્પિટલમાં સારવાર માટે અરજદારને ૨૩ ઓગસ્ટની એપોઇન્ટમેન્ટ મળેલી છે. ડોકટરોના અભિપ્રાય પણ અલગ અલગ આવતા હોવાથી, અરજદારની સારવાર કરાવવી જરૃરી છે. જો અરજદારની સારવાર નહી થાય તો તેનુ કેન્સર બીજા સ્ટેજમાં પહોંચી જવાની આશંકા છે.