Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ઇસ્કોન  બ્રિજ પર નવ લોકોને કચડી નાખવાના કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને વીડિયો કોન્ફરન્સીંગથી અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય) કોર્ટમાં રજૂ કરાયા હતા. રાજય સરકાર તરફથી અદાલત સમક્ષ રજૂઆત કરાઈ હતી કે, આ કેસમાં હજુ બંને આરોપીઓ સામે વધુ તપાસ ચાલી રહી છે અને તેના લીધે કેસ ઓપન થઇ શકતો નથી. જો કે, સરકાર દ્વારા 29મી સપ્ટેમ્બર સુધીમાં આ કેસમાં વધુ તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરી દેવાશે. કોર્ટે આ કેસની વધુ સુનાવણી 29 સપ્ટેમ્બરે રાખી છે.

સુનાવણી દરમિયાન, મુખ્ય સરકારી વકીલની રજૂઆત હતી કે, તથ્યના પાંચ મિત્રો અને વિડિયો ઉતારનાર બાઇક ચાલક સહિત આઠ લોકોના કલમ-164 મુજબના મેજિસ્ટ્રેટ સમક્ષ રૂબરૂ નોંધાયેલા નિવેદનોની નકલ તેઓને મળી ગઇ છે. જો કે, આ કેસમાં સીઆરપીસીની કલમ 173 -(8) હેઠળની તપાસ ચાલુ છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત એક વ્યકિત હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે, તેની પૂરતી તપાસ બાકી છે. 29 સપ્ટેમ્બરે સરકાર પક્ષ તરફથી તપાસનીશ એજન્સીનો ચાર્જશીટ બાદની તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

બીજી બાજુ, આ કેસના બે સાક્ષીઓ ધ્વનિ અને આયર્ન પંચાલ દ્વારા તેમના મોબાઇલ પરત મેળવવા અરજી કરાઇ હતી. જેના અનુસંધાનમાં પોલીસ તરફથી જણાવાયુ કે, બંને મોબાઇલમાં કુલ 350 જીબી જેટલો ડેટા હોવાથી તે ટ્રાન્સફર કરવામાં વિલંબ થઇ રહ્યો હતો. આ મુદ્દે કોર્ટે નારાજગી સાથે ટકોર કરી હતી કે, તમે જો સાક્ષીને હેરાન કરશો તો તેઓ તમને કેવી રીતે મદદ કરશે? કોર્ટે બંને સાક્ષીઓના મોબાઇલ પરત આપી દેવા હુકમ કર્યો હતો.