Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

જો તમે અમદાવાદમાં રહેતા હોવ અને સરખેજથી સાણંદ તથા શાંતિપુરા ચાર રસ્તાથી થઈને બોપલ, મહેસાણા, કડી, કલોલ જતા હોવ તો રોકાઈ જજો નહિતર ફસાઈ જશો. કારણ કે સરખેજથી સાણંદ ગામ જતા વચ્ચે આવતા શાંતિપુરા સર્કલ પાસે ઠેર ઠેર ખાડા અથવા ભુવા પડી ગયા છે. તેમજ અમુક રસ્તા બંધ કરી દેવાયા છે. અને અમુક રસ્તા તો બંધ કરવાના હોવા છતાં મહાનગરપાલિકાએ બંધ નથી કર્યા જેના કારણે લોકો જીવના જોખમે ત્યાંથી ચાલી રહ્યા છે અને ભૂવામાં પડી રહ્યા છે. તેમજ શાંતિપુરા સર્કલની ચારે બાજુ ઠેર-ઠેર ગટરો ઉભરાઇ છે. શાંતિપુરા સર્કલ પાસે જ આવેલી એક AMCની પ્રાથમિક શાળામાં તો પાર્કિંગમાં તેમ જ ક્લાસરૂમમાં ગટરનું પાણી ભરાઈ ગયું છે, જેના કારણે તમામ વિદ્યાર્થીઓને સ્કૂલે દસ દિવસ માટે ન આવવા જણાવવામાં આવ્યું છે. સરકારી શાળાની પાછળ ગટરના પાણીનું મોટું સરસ મજાનું તળાવ બની ચૂક્યું છે. જે જોઈને સૌથી પહેલા તો તમને લાગશે કે આ પિકનિક પોઇન્ટ છે. પરંતુ ધ્યાનથી જોશો તો તે સમગ્ર પાણી ગટરનું અને ગંદા પાણીનું સામ્રાજ્ય છે.

શાંતિપુરા સર્કલ પાસે આવેલી AMCની સરકારી સ્કૂલ તો ગટરનાં પાણીમાં ડૂબી ગઈ છે. પરંતુ તેની પાછળ ગરીબ ખેડૂતોની વિશાળ જમીન છે. જેમાં ઘણા નાના ખેડૂતોની જમીન આવેલી છે. માત્ર એકથી બે વીઘા ધરાવતા ખેડૂતોની જમીન ત્યાં આવેલી છે. ખેડૂતો આ પહેલા ત્યાં ખેતી કરતા હતા. પરંતુ વરસાદ પડવાથી તેમજ તે સમગ્ર વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની પણ વ્યવસ્થા ન હોવાથી તમામ આસપાસના ઇન્ડસ્ટ્રીઝ તેમજ રહેણાંક વિસ્તારોના પાણી તે જમીનમાં ફરી વળ્યા છે. ત્યાંના ખેડૂતો અને સ્થાનિકો NGN ન્યુઝને જણાવી રહ્યા હતા. તમામ મોટા લોકો, ઉદ્યોગપતિઓનું ગંદુ તેમજ ગટરનું પાણી ગરીબ ખેડૂતોની જગ્યામાં સંગ્રહ થાય છે. તેમજ તે ખેડૂતોના તમામ ઉભા પાક પણ ધોવાઈ ગયા છે જેના કારણે ત્યાંના ખેડૂતો બેરોજગાર બન્યા છે. તેમની પાસે કમાવાનો કોઈ હવે આધાર નથી રહ્યો. 


શાંતિપુરા સર્કલથી તમારે સાણંદ ગામ જવું હોય તો જઈ શકાય પરંતુ જો તમારે બોપલ, મહેસાણા, કડી, કલોલ જવું હોય તો આખો ઓવર બ્રિજ ફરીને જવું પડે જેના કારણે ત્યાં ટ્રાફિકની સમસ્યા થવા પામી છે. તેમજ શાંતિપુરા સર્કલ પાસે થતા ટ્રાફિકને કંટ્રોલ કરવામાં ત્યાં હાજર પોલીસ કર્મચારીઓનો પણ પરસેવો વળી રહ્યો છે. ટ્રાફિકની સમસ્યા તો ખરી પરંતુ તે વિસ્તારમાં રોડમાં ભુવા પણ પડી ગયા છે. ટ્રાફિક પોલીસ કર્મચારીઓની હાજરીમાં તમામ વાહનચાલકો રોંગ સાઈડમાં ચાલી રહ્યા છે. છતાં AMCની બેદરકારીના કારણે પોલીસ કર્મચારીઓ પણ મૂક દર્શક બની ગયા છે. 

આ બાબતે શાંતિપુરા ચાર રસ્તા પાસે ટ્રાફિક કંટ્રોલ કરી રહેલા પોલીસ અધિકારીએ NGN સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું. અમને અત્યારે અહીંયા ટ્રાફિક કંટ્રોલ કરવામાં ખૂબ જ સમસ્યા આવે છે. એક બાજુથી રોડ બની રહ્યા છે રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે તો બીજી બાજુ ગટર ઉભરાવો અને રોડમાં ભુવા પડી ગયા હોવા છતાં પણ રસ્તા બંધ નથી કરાયા, વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી વાહન ચલાવી રહ્યા છે. સમગ્ર રોડ પર ગટરનું પાણી ઉભરાઈ ગયું છે અને પાણીની નીચે ભુવા પડી ગયા છે જેને લઈને ઘણા બધા લોકોને ન દેખાતું હોવાથી અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને ભૂવામાં પડી રહ્યા છે. ત્યાં આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે અમારી સામે જ લોકો રોંગ સાઈડમાં અવરજવર કરી રહ્યા છે અને અમે ટ્રાફિક પોલીસ અધિકારી હોવા છતાં પણ કશું જ નથી કરી શકતા.

NGN ન્યુઝ સાથે ખાસ વાતચીત કરતા ત્યાંના સ્થાનીક લોકોએ વધુમાં જણાવ્યું હતું હાલમાં ચોમાસાની ઋતુ હોવાને કારણે બધી બાજુ રોગચાળો ફેલાઈ રહ્યો છે. તેમજ આટલી બધી ગંદકી અને શાંતિપૂરાનો આખો વિસ્તાર જ ગટરના પાણીમાં ડૂબ્યો હોય, અમને બીમારી ફેલાવવાનો ડર લાગી રહ્યો છે. આસપાસના તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો પણ ભરાઈ ચૂક્યા છે. અમારા દરેક પરિવારમાંથી એક બે સભ્યો તો હાલ હોસ્પિટલમાં દાખલ છે. તેમને ડેન્ગ્યુ નામક બીમારીએ ઘેરી લીધા છે. ત્યાંની આબોહવા પણ ગટરના પાણીને કારણે એટલી ઝેરી બની ગઈ છે કે અમારા આભૂષણોનો રંગ પણ જતો રહ્યો છે. તો વિચારી શકાય કે આ ગંદકી તથા આબોહવા અમારા સ્વાસ્થ્યને કેટલી હદે નુકસાન કરતી હશે. કાલ અમને કશું થઈ ગયું તેમજ અમે બીમાર થયા તો તેની જવાબદારી મહાનગરપાલિકા લેશે ખરા? તેમજ ત્યાં હાજર તમામ સ્થાનિકોએ આ સમગ્ર ઘટના બનવાની પાછળનું કારણ મહાનગરપાલિકાનું અણઘણ વહીવટ જણાવ્યું હતું. તેમજ રોડ રસ્તામાં થતા ભ્રષ્ટાચારો અને કોઈ પણ રોડ બનતા પહેલા ટેન્ડર બહાર પાડવાની સાથે જ પહેલા ડ્રેનેજ લાઈનની જોગવાઈ હોવા છતાં પણ ડ્રેનેજ લાઈન ઊભી ન કરાતા અને તમામ પૈસા ચાઉ કરી જતા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓને જવાબદાર ગણાવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદના કુબેરનગર વિસ્તારના રહીશો છેલ્લા બે વર્ષથી ગંદુ પાણી પીવા મજબૂર બન્યા