Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના પેટ્રન ઇન ચીફ સુનિતા અગ્રવાલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત હાઇકોર્ટે ખાતે યોજાયેલી લોક અદાલતમાં એમએસીટી અપીલના કેસમાં ઇતિહાસમાં સૌપ્રથમવાર વીમાકંપની (ઇફકો ટોકયો) દ્વારા રૂ. 5.40 કરોડના ચેક દાવેદારોને આપવામાં આવ્યા છે. હાઇકોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં કુલ 98 કેસોના નિકાલ સાથે રૂ. 11 કરોડથી વધુનું વળતર ચૂકવવામાં આવ્યુ છે.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના પેટ્રન ઇન ચીફ સુનિતા અગ્રવાલના નેતૃત્ત્વ અને સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ એવા જસ્ટિસ નીલય વી.અંજારિયા અને હાઇકોર્ટ લીગલ સર્વિસ કમીટીના ચેરમેન એવા જસ્ટિસ બીરેન વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ તેમ જ હાઇકોર્ટ લીગલ સર્વિસ કમીટીના સહકારથી આજે હાઇકોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું વિશેષ આયોજન કરાયું હતું. જેમાં ખુદ હાઇકોર્ટના જસ્ટિસ ઇલેશ જે.વોરા અને સિનિયર એડવોકેટ પ્રકાશ કે.જાની(પૂર્વ એડિશનલ એડ્વોકેટ જનરલ) કન્સિલિયેટર્સ તરીકે અમૂલ્ય સેવાઓ આપી હતી.

મૃતક યુવકના વારસદારો(મૂળ દાવેદારો) દ્વારા એડવોકેટ હિરેન મોદી મારફતે હાઇકોર્ટ સમક્ષ વધુ વળતર માટે કરાયેલ અપીલ લોક અદાલત સમક્ષ મૂકાઇ હતી. જેમાં વીમા કંપનીના એડવોકેટે પણ હકારાત્મક વલણ દાખવી ઇફ્ટો ટોકયો વીમા કંપની તરફથી અરજદાર દાવેદારોને રૂ. 5,40,45,998 ની રકમ ચૂકવવાની સંમંતિ દર્શાવવામાં આવી હતી અને આ માતબર રકમનો ચેક લોક અદાલતમાં ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં અરજદાર દાવેદારોને અર્પણ કરવામાં આવ્યો હતો. આ સિવાય લોક અદાલતમાં ચેક રિટર્નના કેસો, જમીન વળતર સહિતના વિવિધ કેસોનો સમાધાનકારી નિકાલ કરી યોગ્ય વળતરના હુકમો કરવામાં આવ્યા હતા. ગુજરાત બાર કાઉન્સીલના સભ્ય ગુલાબખાન પઠાણ પણ લોક અદાલતની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, હાઇકોર્ટની આજની રાષ્ટ્રીય લોક અદાલતની કામગીરી ખરા અર્થમાં નોંધનીય બની રહી હતી.