Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: મોરબીની 16 વર્ષની એક દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાના કેસમાં તેના સાત મહિનાના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી માંગતા કેસમાં ગુજરાત હાઇકોર્ટે આવતીકાલે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને જેલમાંથી હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રાખવા હુકમ કર્યો હતો. કેસની સુનાવણી દરમ્યાન એક તબક્કે સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, કોર્ટ દ્વારા કેસને લઇ જે ચર્ચા કે ટિપ્પણી થાય તેને લઇ લોકો બિનજરુરી ટીકા કરી રહ્યા છે ત્યારે હાઈકોર્ટે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં શ્લોક નં-54થી 72ને ટાંકી એવી માર્મિક ટકોર કરી હતી કે, આ શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્થિતપ્રજ્ઞાની વ્યાખ્યા વર્ણવી છે તે મુજબ, કોઇ પ્રશંસા કરે કે ટીકા આપણે તેને અવગણી સ્થિતપ્રજ્ઞા રહેવું જોઇએ. જજે પણ ટીકા કે પ્રશંસાને અવગણી સ્થિતપ્રજ્ઞા રહી વર્તવુ જોઇએ.

ભૂતકાળમાં સુનાવણી વખતે હાઈકોર્ટે મનુસ્મૃતિને ટાંકીને કરેલી ટકોરને લઇ વિવાદ થયેલો છે. કેસની સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે આ કેસમાં કોઇ સમાધાન કે વચલો રસ્તો નીકળી શકે તેમ છે કે કેમ તે મુદ્દે પણ આરોપીપક્ષ અને સરકારપક્ષને પૃચ્છા કરી હતી. સગીરાના વકીલ તરફથી જણાવાયું કે, તેમણે તેમની રીતે બનતા તમામ પ્રયાસ કર્યા છે કારણ કે, આ ભોગ બનનાર પીડિતા, તેના બાળક અને આરોપી ત્રણ જણની જિંદગીનો સવાલ છે. હાઈકોર્ટે સવાલ કરેલો કે, જો બાળક જન્મે તો તેના માટે સમાજ કલ્યાણ વિભાગ અને સરકારની સંબંધિત યોજનાઓ કંઈ કંઈ છે.