Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

મોરબી નગરપાલિકાના સભ્યોની રજૂઆત, વિવાદિત ઠરાવ માટે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારીના ચેરમેન સામે પગલા લો, બધાને શા માટે દંડાય છે

હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો

અમદાવાદ: મોરબીમાં ઝુલતા પુલના તુટવાની દુર્ઘટના માટે જવાબદાર મનાયેલી મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે મોરબી નગરપાલિકાના ચુંટાયેલા નગરસેવકોએ કરેલી, અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી સપ્ટેમ્બર માસમાં હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, કાયદાની જરૂરી પ્રક્રિયાનુ પાલન કર્યા વિના જ નગરપાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય લેવાયો છે. જે નિર્ણયને જનરલ બોર્ડની મંજૂરી જ મળી નથી તેવા બદરકારીભર્યા નિર્ણય માટે તમામ ચૂંટાયેલા સભ્યોને જવાબદાર ગણી શકાય નહી. બીજી તરફ,  સરકારની રજૂઆત હતી કે આ મુદ્દે અરજદારોએ નવી અરજી કરવી પડે, જૂની અરજીમાં સુધારો કરીને રજૂઆત કરે તે ચાલે નહી. જો કે, હાઇકોર્ટે અરજદારનું ડ્રાફ્ટ અમેન્ડમેન્ટ ગ્રાહ્ય રાખ્યું હતું અને આ મુદ્દે સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

કેસની વિગત જોઈએ તો, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ, હાઈકોર્ટે આ મુદ્દે કરેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટની ફટકાર બાદ, રાજ્ય  સરકારે મોરબી નગરપાલિકા સામે આકરા પગલા લેવાનુ નક્કી કરેલુ. જેમાં તપાસમાં બહાર આવેલુ કે આ દુર્ઘટના માટે મોરબી નગરપાલિકાની ગંભીર બેદરકારી અને ફરજમાં ચૂક રહેલી છે. જેથી, હાઈકોર્ટના કડક વલણ બાદ સરકારે મોરબી નગરપાલિકાને કાયદાકીય જોગવાઈ હેઠળ સુપરસીડ કરવા માટે નોટિસ પાઠવેલી અને સમગ્ર મુદ્દે નગરપાલિકાના ઠરાવ મુજબ સભ્યોનો જવાબ માગવામાં આવેલો. સરકારની આ કાર્યવાહી સામે મોરબી નગરપાલિકાના ચુંટાયેલા સભ્યોએ હાઈકોર્ટમાં અરજી કરેલી કે, સરકાર પાસે નગરપાલિકાને સુપરસીડ કરવાની સત્તા રહેલી છે. જો કે, આ કેસમાં સરકાર દ્વારા મ્યુનિસિપાલિટીની એક્ટની કલમ-37 હેઠળ કામગીરી કરવાના બદલે કલમ-263 હેઠળ અપાયેલી નોટિસ ગેરવાજબી છે. વિવાદિત ઠરાવ પર સહી કરનાર પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સામે કલમ-37 હેઠળ પગલા લઈ શકાય છે. પરંતુ કલમ-263 હેઠળની નોટિસ ગેરવાજબી છે. જેથી, આ પગલાને રદ કરો. જો કે, મોરબી દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટે કરેલી સુઓમોટો પીઆઈએલમાં જ સરકારે કોર્ટને જાણ કરેલી કે તેના દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. જેથી, મોરબી નગરપાલિકાના સભ્યોએ સરકારના નિર્ણય સામે કરેલી તેમની જૂની અરજીમાં સુધારો કરીને સરકારના નિર્ણય સામે અરજી કરી છે.