Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- રિપોર્ટ સીલ બંધ કવરમાં નહીં પરંતુ ઓપન કોર્ટમાં રજૂ કરો - હાઈકોર્ટ

- એસઆઈટીની તપાસમાં ત્રુટિ જણાશે તો સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવા વિચારીશું - હાઈકોર્ટ

અમદાવાદ: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટ સમક્ષ થયેલી અરજીમાં રાજ્ય સરકારે હાઈકોર્ટને બાહેંધરી આપી છે કે આ કેસમાં તપાસ માટે રચાયેલી એસઆઈટી તેની તપાસનો અંતિમ અહેવાલ ત્રણ માસમાં રજૂ કરશે. હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે, આ રિપોર્ટ સીલબંધ કવરમાં નહીં પરંતુ ઓપન કોર્ટમાં રજૂ કરશો.

કેસની વિગત જોઈએ તો આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. જેમાં, સરકાર અને ઓરેવા ગૃપ તરફથી મૃતકોને વળતર પેટે ચુકવાયેલી રકમની વિગત કોર્ટ સમક્ષ રજૂ કરાયેલી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને ટકોર કરેલી કે આ દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકોના ભણતર, આશ્રય અને ખાધ-ખોરાકીની જવાબદારી સરકારની છે. આ ઉપરાંત, ઓરેવા ગૃપ પણ તેની જવાબદારીમાંથી છટકી ન શકે. હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશોના પાલન અંગે સરકારે શું પગલા લીધા છે, તે અંગે જવાબ આપો. હાઈકોર્ટે એ પણ સંકેત આપ્યો છે કે, એસઆઈટીના અહેવાલ બાદ કેસની તપાસમાં ખામીઓ જણાશે તો તપાસ અન્ય સ્વતંત્ર એજન્સીને સોંપવી કે નહીં તેનો પણ નિર્ણય આગામી સુનાવણી સમયે લેવાશે. આ કેસની વધુ સુનાવણી 25 સપ્ટેમ્બરે હાથ ધરાશે.