Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- મેટ્રો કોર્ટનો હુકમ, તેજસ્વી યાદવ 22 સપ્ટેમ્બરે રૂબરૂ હાજર રહે

- તેજસ્વી યાદવ એક જવાબદાર વ્યક્તિ, તેમના નિવેદનથી ગુજરાતીઓનુ અપમાન થયુ - અરજદાર

અમદાવાદ: ગુજરાતીઓને ઠગ કહેવાના વિવાદમાં બિહારના નાયબ મુખ્યંમત્રી તેજસ્વી યાદવ વિરૂદ્ધ મેટ્રોપોલીટન કોર્ટમાં થયેલી બદનક્ષીની ફરિયાદના કેસમાં આજે એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટે તેજસ્વી યાદવ સામે ગુનો બનતો હોવાનો મત વ્યકત કરી તેમને સમન્સ જારી કર્યું છે અને તેજસ્વી યાદવને 22 સપ્ટેમ્બરે અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું છે.

અમદાવાદના હરેશ પ્રાણશંકર મહેતાએ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે આઇપીસીની કલમ 499, 500(બદનક્ષી)ની ફરિયાદ મેટ્રોપોલીટન કોર્ટમાં કરી હતી. સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ એક જવાબદાર નાગરીક છે અને તેમણે થોડા સમય પહેલાં વિવિધ મીડિયા સમક્ષ ગુજરાતીઓને અનુલક્ષીને વિવાદાસ્પદ નિવેદન કરેલુ. જેના લીધે ગુજરાતની પ્રજા તથા ગુજરાતના સમગ્ર સમાજની બદનામી અને માનહાનિ થઇ છે. આ કથન ગુજરાતીઓનું જાહેરમાં ઘોર અપમાન થાય તેવું બદનક્ષીકારક છે. ઠગ શબ્દનો અર્થ બદમાશ, ધુતારા, લુચ્ચા, ગુનેગાર જેવો થાય છે અને તેઓ જવાબદાર વ્યક્તિ થઇ ગુજરાતીઓની બદનક્ષી થાય તેવા વાક્યો બોલ્યા છે, તેથી તેમની સામે આઇપીસીની કલમ 499, 500 મુજબ કાર્યવાહી કરવી જોઇએ. આ ફરિયાદ બાદ તેના સમર્થનમાં દસ્તાવેજી પુરાવા અને અન્ય સંબંધિત પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફરિયાદી અને સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી.

કેજરીવાલ બાદ હવે તેજસ્વી યાદવ સામે બદનક્ષીનો કેસ

મેટ્રો કોર્ટમાં આપના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહ સમન્સની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે અને તેઓની વિરૂદ્ધની કાર્યવાહી પણ મેટ્રો કોર્ટમાં પડતર છે ત્યારે હવે બિહારના નાયમ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે બદનક્ષીનો કેસ કરાયો છે.