Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા સોમવારે બપોરે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે અનુમાન કરવામાં આવ્યું છે.

ગુજરાતીઓ અને તેમાં પણ ખાસ કરીને ખેડૂતો શિયાળાની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, તારીખ 25 અને 26 નવેમ્બરના રોજ ગુજરાતના ઘણા રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ફરીવાર વાતાવરણમાં પલટો આવશે તેમ જણાવ્યુ છે. ઠંડી અંગે વાત કરતા તેમણે કહ્યું છે કે, 25 નવેમ્બર બાદ તાપમાનમાં ઘટાડો થશે.

અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ સોમવારના રોજ બપોરે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે અનુમાન કર્યુ. તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતાઓ છે. જ્યારે આ પાંચ દિવસમાં વરસાદ થવાની કોઈ શક્યતા નથી. તે પછીના છઠ્ઠા અને સાતમા દિવસે ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરાઈ છે.

ડો. મનોરમા મોહન્તીએ વધુમાં આ અંગે કહ્યુ હતું કે, ગુજરાતમાં પાંચ દિવસ ક્યાંય પણ વરસાદ થવાની કોઈ શક્યતા નથી. છઠ્ઠા દિવસે એટલે કે 26મી નવેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા રહેલી છે. જ્યારે સાતમા દિવસે એટલે કે 27મી નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવો વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર, 26મી તારીખે એટલે કે શનિવારે દક્ષિણ ગુજરાત અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં, દાહોદ અને પંચમહાલના જિલ્લાઓમાં ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. બાકીના વિસ્તારો કે જિલ્લાઓ અને દીવમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર, 27મી તારીખે એટલે કે રવિવારે દક્ષિણ ગુજરાત અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહિસાગર અને મહેસાણા, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંતના બાકીના વિસ્તારો કે જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની શક્યતા છે.

આ પણ વાંચો : પંચમહાલમાં બે ખાનગી બસો વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના મોત