Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સુરતમાં આવેલ સચિન GIDCની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, ભીષણ આગ લાગતા 20 કર્મચારીઓ દાઝી ગયા છે, રાત્રે 2 વાગ્યે લાગી હતી આ ભીષણ આગ

મોડી રાત્રે સુરતની સચિન GIDCની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા મોટો વિસ્ફોટ થયો હતો. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થયું હતું જેથી 20 કામદારો દાઝ્યા હતા. તમામ દાઝેલા કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં ત્રણ કામદારોની હાલત હજી ગંભીર છે. જ્યારે ફાયરબ્રિગેડ દ્વારા ભારે જહેમત પછી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

 

સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થવાથી 20 કામદારો દાઝ્યા 

સચિન GIDCના રોડ નંબર 8 પર આવેલ કેમિકલ કંપનીની આ ઘટના છે. એથલ કેમિકલ કંપનીમાં રાત્રે 2 વાગ્યે ભારે આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતા મોટો વિસ્ફોટ થયો હતો. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ત્યાં ઉપસ્થિત 20 કામદારો દાઝ્યા હતા. તમામ દાઝેલ કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવમાં ત્રણ કામદારોની હાલત ખૂબ જ ગંભીર છે. ઘટનાના પગલે વેસુ, મજુરા, માન દરવાજા અને ભેસ્તાન ફાયર સ્ટેશનોની ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત પછી આગને કાબૂમાં લીધી હતી.

કામદારો, કર્મચારીઓને તાત્કાલિક રેસ્ક્યૂ કરવામાં આવ્યા

આગ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું, આગનો બનાવ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બન્યો છે. આ બનાવ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક જ સ્થળ પર પહોંચી ગઈ હતી. સાથે જ ફાયર બ્રિગેડના કર્મચારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. કંપનીમાં કામ કરતાં કામદારો, કર્મચારીઓને તાત્કાલિક રેસ્ક્યૂ કરવામાં આવ્યા. કંપનીમાં રહેલ માણસોને બહાર કાઢવાની કાર્યવાહી કરી આગ બુજાવવાની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી હતી.

આગ અંગે પાંડેસરા જીઆઇડીસીના આગેવાન કમલભાઇએ જણાવ્યું હતું કે, લગભગ 18 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. તેઓ હાલ સારવાર હેઠળ છે. હાલ આગ કાબુમાં આવી ગઈ છે, પણ કુલિંગ પ્રક્રિયા કરવી પડે તેમ છે. કેમ કે, કેમિકલ ફેક્ટરી હોય અને આખા સ્ટ્રક્ચરમાં હીટિંગ થયું હોય એટલે સેફ્ટી માટે આખું સ્ટ્રક્ચર કુલિંગ કરવું જરૂરી બને છે, તે માટે પ્રક્રિયા ચાલે છે.

આ પણ વાંચો : ખેડૂતોની આશા ઉપર કમોસમી વરસાદે પાણી ફેરવ્યું, ડુંગળીના પાકને થયું નુકસાન