Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

દિલ્હીમાં સતત ચોથા દિવસે હવાની ગુણવતા ખરાબ રહી છે. શનિવારે 504ની સામે આજે એટલે કે રવિવારે દિલ્હીમાં હવાની ગુણવતા 410 નોંધાઈ છે. હવાની ગુણવતામાં નજીવો સુધારો થયો છે. લોધી રોડ વિસ્તારમાં હવાની ગુણવત્તા 385 હતી જ્યારે દિલ્હી યુનિવર્સિટી વિસ્તારમાં 456 નોંધાઈ છે. ત્યારે ગુરુગ્રામમાં હવાની ગુણવત્તા 392 હતી. 

AQIનું ઊંચું લેવલ ફેફસાં સંબંધિત રોગોથી પીડિત લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે અને ફેફસાના કેન્સરનું જોખમ પણ ઉભું કરી શકે છે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને પત્ર લખીને દિલ્હી-એનસીઆરમાં પડોશી રાજ્યોમાંથી BS-VI ધોરણોનું પાલન ન કરતા વાહનોના દિલ્હીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી હતી.

તેમણે પડોશી રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની તાકીદની બેઠક બોલાવવાની પણ વિનંતી કરી હતી.

ગોપાલ રાયે કહ્યું કે, "છેલ્લા બે દિવસમાં પ્રદૂષણના સ્તરમાં થયેલા વધારાને જોતા, ગઈકાલથી દિલ્હીમાં બાંધકામ પર પ્રતિબંધ છે. ગઈકાલની સરખામણીમાં આજે પ્રદૂષણના સ્તરમાં સુધારો જોવા મળ્યો છે. સ્થિતિ હજુ પણ ગંભીર છે. હું કેન્દ્ર સરકારને પત્ર લખીને વિનંતી કરી રહ્યો છું કે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પાંચેય રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની તાત્કાલિક બેઠક બોલાવે. અન્ય રાજ્યોમાં CAQMના આદેશોનો અમલ થતો નથી. નિયમો બનાવવામાં આવી રહ્યા છે, અને CAQM નિર્દેશો આપી રહ્યું છે, પરંતુ આખા એનસીઆરમાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ સમગ્ર ઉત્તર ભારતની સમસ્યા છે.

દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 'ગંભીર' શ્રેણી હેઠળ હોવાથી, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ શુક્રવારે અસરગ્રસ્ત રાજ્યોના મુખ્ય સચિવો પાસેથી જવાબો માંગ્યા અને તાત્કાલિક ઉપચારાત્મક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો.

એનજીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ શહેરોમાં વાયુ પ્રદૂષણના નિવારણ અને નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી રહેવાસીઓને સારી હવાની ગુણવત્તા સુનિશ્ચિત કરી શકાય.