Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- આવા ગંભીર કેસને અન્ય સામાન્ય કેસ ગણીને મુદત આપવાનુ બેદરકારીભર્યુ વલણ સ્વીકારી ન શકાય – સુપ્રીમ કોર્ટ

- સુપ્રીમ કોર્ટે ભરૂચની મેડિકલ ટીમ પાસે રિપોર્ટ માગ્યો, કેસની સુનાવણી સોમવારે રાખી

અમદાવાદ: દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની મંજૂરી માગતી અરજીમાં વિલંબ કરવા બદલ (મુદત પાડવા બદલ) સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટથી નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ કેસ પડતર રહ્યો તે દરમિયાન બહુ કિંમતી સમયનો બગાડ કરાયો છે. આ પ્રકારના ગંભીર કેસોને અન્ય સામાન્ય કેસ ગણીને તેમાં મુદત પાડવાનુ બેદરકારીભર્યુ વલણ ચલાવી ન લેવાય. આવા કેસની અરજન્સીને સમજવી જરૂરી છે. સુનાવણી બાદ, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે, સેક્રેટરી જનરલ દ્વારા હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલને પુછવામાં આવે કે આ કેસ સંબંધિત આદેશ અપલોડ થયો છે કે નહીં તેની ખરાઈ કરવામાં આવે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે ભરુચના સરકારી હોસ્પિટલના નિષ્ણાત તબીબોની મેડિકલ ટીમ પાસે ફરીથી રિપોર્ટ માગ્યો છે અને કેસની વધુ સુનાવણી 21 ઓગષ્ટે હાથ ધરાશે.

કેસની વિગત જોઈએ તો, 25 વર્ષની યુવતીએ સાત ઓગષ્ટે હાઈકોર્ટમાં અરજી કરીને ગર્ભપાત માટે મંજૂરી માગી હતી. આઠ ઓગષ્ટે સુનાવણી બાદ, હાઈકોર્ટે આદેશ કરેલો કે નિષ્ણાત તબીબોની મેડિકલ ટીમ બનાવીને પીડિતાના આરોગ્ય અને પ્રેગનન્સી સ્ટેટસ મુદ્દે તપાસ કરવામાં આવે અને તે અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવે. આ પછી, મેડિકલ ટીમે 10 ઓગષ્ટે તેનો રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરેલો. જે રિપોર્ટને હાઈકોર્ટે રેકોર્ડ પર લઈને કેસની સુનાવણી 23 ઓગષ્ટે રાખી છે. જેની સામે, સુપ્રીમ કોર્ટમાં અરજી કરાયેલી. જેમાં, સુપ્રીમ કોર્ટે આટલી લાંબી મુદત આપવાના હાઈકોર્ટના વલણની ટીકા કરેલી. સુપ્રીમ કોર્ટે સવાલ કરેલો કે આટલી લાંબી મુદત શા માટે આપવામાં આવી ? આમાં કેટલો સમય વેડફાયો છે.