Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હવે લોકો પોતાના ઘર પર સોલાર પેનલ લગાવી વીજ ઉત્પાદન કરી રહ્યાં છે. જેના લીધે લોકોને ખૂબ જ ફાયદો થયો છે. લાઇટ બીલ શૂન્ય થયું અને હવે  વીજળી પીજીવીસીએલને વેચવામાં આવી રહી છે. જેના રૂપિયા પણ લોકોને મળી રહ્યાં છે.

ગુજરાત રાજ્ય સોલાર પેનલના ઉપયોગથી વીજ ઉત્પાદન કરવામાં અગ્રતા ધરાવતું રાજ્ય બની ગયું છે. ત્યારે બોટાદ જિલ્લો પણ સોલાર પેનલ થકી વીજળી મેળવવા માટે અગ્રેસર છે. બોટાદના ગઢડા શહેર અને ગ્રામ્યના નાગરિકોએ ઘર ઉપર સોલાર પેનલ સિસ્ટમ લગાવી લાભ મેળવતા થયા છે. સોલાર પેનલથી હવે લોકો વીજળીનું ઉત્પાદન કરી રહ્યાં છે. સોલાર ઉર્જાના કારણે ઘરનું લાઇટ બીલ હવે શૂન્ય થઈ ગયું છે. તેમજ પીજીવીસીએલને પણ તેઓ વીજળી વેચી રહ્યાં છે. તેમજ સરકાર દ્વારા સોલાર પેનલ માટે સબસિડી પણ આપવામાં આવી રહી છે.

મોહનભાઇ કેવડિયાએ જણાવ્યું કે, સોલાર પેનલ લગાવવાના કારણે છેલ્લા છ માસથી વીજળીનું બિલ ઝીરો આવે છે. સુર્ય ગુજરાત યોજના થકી મહિને 4000 થી 5000નું  બિલ આવતું તે હવે ઝીરો થયું છે અને ઉનાળાના દિવસોમાં તો વીજ ઉત્પાદક બની પીજીવીસીએલને પણ વીજળી વેચી રહ્યા છે.

સોલર પેનલ રૂફટોપ સિસ્ટમ પ્લાનના સુપરવાઇઝર વિશાલભાઈ મામેરિયાએ જણાવ્યું કે, હાલ ગઢડા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોની સોલાર પ્લાનની માંગ ખૂબ જ વધી રહી છે. આજે લોકો સોલાર પેનલ નાખવા માટે લોકોમાં જાગૃતતા આવી છે અને આજે ઠેર ઠેર તેની માંગ થઈ રહી છે. લોકો પોતાના વીજ બીલ ભરવા માંથી મુક્તિ મેળવી છે. તેથી એક આર્થિક સ્ત્રોત પણ ઉભો થયો છે.

ગઢડા PGVCL દ્વારા મળતી માહિતી મુજબ ગઢડા વિસ્તારમાં કુલ મીટર ધારકો 6719 માંથી કુલ 332 ગ્રાહકો દ્વારા સોલર સિસ્ટમ લગાવવામાં આવી છે. જ્યારે ગઢડા ગ્રામ્ય વિસ્તારમાં પણ કુલ મીટર ધારકો 45074 માંથી કુલ 715 ધારકોએ સોલાર પેનલ સિસ્ટમ લગાવી છે.

સમગ્ર ભારતમાં પ્રસ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા ધરાવનાર ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાતે દ્વિતીય ક્રમ હાંસિલ કર્યો છે. આ લિસ્ટમાં રાજસ્થાન, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા રાજ્યોનો પણ સમાવેશ થાય છે. સૌર ઊર્જા અંતર્ગત વર્ષ 2023માં ગુજરાત કુલ 8887.72 મેગાવોટ ઉત્પાદન ક્ષમતા ધરાવતું ગૌરવવંતુ રાજ્ય બની ગયું છે. સોલાર રૂફટોપના અનેક ફાયદાઓના કારણે આજે તે ગામડા અને શહેરના લોકો માટે પસંદગીનું ઊર્જા ઉત્પાદન સાધન બની ગયુ છે.

તમને જણાવીએ કે, રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહન મળે તે લક્ષ્યથી રાજ્ય સરકાર દ્વારા ‘સૂર્ય-ગુજરાત યોજના’ની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ યોજનામાં વીજ ગ્રાહક પોતાના ઘરની છત પર 1 કિલોવૉટ કે તેથી વધારે કોઈપણ ક્ષમતાની સોલાર સિસ્ટમ સ્થાપિત કરી શકે છે. તેના માટે કરારીય વિજભારની મર્યાદા લાગુ પડશે નહીં. જો કે સબસિડી વધુમાં વધુ 10 કિલોવૉટની ક્ષમતા સુધી મર્યાદિત રહેશે તેમ જણવામાં આવ્યું છે.

આ યોજનામાં 3 કિલોવૉટ સુધી નિયત કરેલા કિંમતના 40ટકા સબસિડી અને ૩ કિલોવૉટથી વધુ તથા 10 કિલોવૉટ સુધી 20 ટકા સબસિડી આપવામાં આવે છે. અગાઉ પણ કાર્યાન્વિત કરેલા સોલાર સિસ્ટમની ક્ષમતા 10 કિલોવૉટ કરતા પણઓછી હોય તો, અગાઉ કાર્યાન્વિત કરેલા સોલાર સિસ્ટમની ક્ષમતામાં વધારો કર્યાની સાથે સોલાર સિસ્ટમની કુલ ક્ષમતા 3 કિલોવૉટ સુધી હોય તો ફક્ત વધારેલી સોલાર ક્ષમતા પર 40 ટકા સબસિડી મળવાપાત્ર છે.

આ પણ વાંચો : ગુજરાત-રાજસ્થાનમાં આ વર્ષે જીરૂનું બમણું વાવેતર