Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાતમાં સરકારી વાહનોનું અધિકારીઓ પોતાના અંગત વપરાશ માટે ઉપયોગ કરે છે આ તો બધા જાણે જ છે, પણ એક એવી ઘટના સામે આવી છે કે જેમાં ફોરેસ્ટ અધિકારી સરકારી વાહનનું સરકારી ડ્રાઈવરની સાથે પોતાના દિકરાને શીખવવા માટે આપી હતી. હુટર અને લાઈટ શાયરન સાથે શહેરના મકરબા વિસ્તારમાં આવેલ એક ખુલ્લા મેદાનમાં તેમના દિકરાને તેમના જ ડ્રાઈવર સાથે ગાડી શીખવવામાં આવી રહી હતી. નિયમ પ્રમાણે અધિકારીઓ ગેર-અધિકારી કામ માટે ઉપયોગ કરી શકતા નથી. સાથે સાથે જયારે અધિકારી પોતે ગાડીમાં ન હોય ત્યારે તેની પોસ્ટ પ્લેટ અને સાયરનને ઢાંકીને રાખવામાં આવે છે. આ મામલામાં આ નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું. 

જયારે NGNના પત્રકારે ડ્રાઈવર સાથે વાત કરી ત્યારે તેણે જણાવ્યું કે સાહેબ હાલ ચાર કલાક માટે આરામમાં છે જેથી હાલ તેમના દિકરાને ગાડી શીખવવા માટે આપી છે. આરટીઓના નિયમ પ્રમાણે જયારે કોઈ ગાડી શીખતા હોય તો તેના માટે બે સ્ટેરિંગ અને બે કલ્ચની ગાડી રાખવામાં આવતી હોય છે આ સાથે તેના પર ગાડી શીખી રહ્યા હોવાનું પણ લખાણ લખવામાં આવતું હોય છે. જેથી કોઈ પણ બીજા વાહન ચાલક તેને જોઈ શકે. પરતું નિયમો તો માત્ર આમ જનતા માટે જ હોય છે તે નકારી શકાય તેમ નથી. 

NGN દ્વારા અધિકારી D.C.F.રાજ સંદીપના ડ્રાઈવર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ સાહેબની ગાડી છે, અને હાલ સાહેબ આરામમાં હોવાથી તેઓએ આ ગાડી તેમના છોકરાને શીખવવા માટે આપી છે. સાહેબ પોતાના બાળકને સરકારી ગાડી શીખવવા માટે પોતાના ખીસ્સામાંથી પેટ્રોલના પૈસા આપે છે. જો કે, અધિકારીઓ આવી સરકારી ગાડીઓ પોતાના કામ માટે ઉપયોગમાં લઈ શકે નહી અને તે પણ ખાસ કરીને પોતાના દિકરાને ગાડી ચલાવવી છે અને તેને શીખવવા માટે આપે તે ખોટું છે. 

આ મામલે પોલીસ દ્વારા આરટીઓના નિયમ પ્રમાણે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કે પછી મોટા અધિકારી હોવાને કારણે આ મામલો રફેદફે કરી દેવામાં આવશે હાલ તે ચર્ચાનો વિષય બન્યો છે.