Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

કેશોદ શહેરીજનોમાં અયોધ્યા ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો, સર્કલ, ગલીઓ, શેરીઓ, રહેણાંક મકાનોને ધજા પતાકા અને રોશનીથી શણગારવામાં આવી રહ્યાં છે. જેમાં કેશોદ શહેરના વિશ્વ હિન્દુ પરિષદ,દૂર્ગાવાહિની,ગૌ રક્ષા દળ,  બજરંગ દળ, સહિતના વેપારી સંગઠનો દ્વારા મહાઆરતી, ધાર્મિક - સામાજીક, કિર્તન મંડળી, જેવા કાર્યક્રમ યોજવા આતુર હોય દિવસ રાત જોયા વગર તડામાર તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યાં છે.

2 વર્ષથી દર શનિવારે સંકલ્પ શનિવાર તરીકે ઉજવાય

કેશોદના ચાર ચોક ખાતે આવેલ રામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને રામધુનનું આયોજન કરાતાં મોટી સંખ્યામાં ભાવિક ભાઈઓ બહેનો મોડી રાત સુધી ભગવાન શ્રી રામને રીજવવા શ્રદ્ધાપૂર્ણ ભક્તિમાં ભાગ લીધો હતો. કેશોદ શહેરમાં છેલ્લાં 2 વર્ષથી દર શનિવારે સંકલ્પ શનિવાર તરીકે ઉજવવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેર અને ગ્રામ્ય પંથકના મંદિરોમાં હનુમાન ચાલીસા અને રામધુનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

ભગવાન શ્રી રામ સૌના પર કૃપા વરસાવે તેવી પ્રાર્થના કરી

આ કાર્યક્રમને લઇને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સામાજીક સંગઠનોના સતત સંપર્કમાં રહેતાં વેપારીઓ પણ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવા થનગની રહ્યાં છે. ત્યારે કેશોદ શહેરના પ્રખ્યાત પટેલ મીલ રોડના વેપારીઓ દ્વારા રસ્તાંને અદભૂત રીતે રોશનીથી શણગારવા નિર્ણય લેતાં દિવસે ધંધા રોજગારમાં વ્યસ્ત વેપારીઓ ધજા પતાકાં લગાવી રોશની કરવા આતુર જોવા મળ્યાં હતાં અને પોતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શ્રી રામ સૌના પર કૃપા વરસાવે તેવી પ્રાર્થના કરતાં જોવા મળ્યાં હતાં. 

આ પણ વાંચો:  રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક વધારો થયો, આ શહેરમાં સૌથી ઓછું તાપમાન