Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીને અનુલક્ષીને બદનક્ષીભર્યા નિવેદનો કરવાના કેસમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહે મેટ્રોપોલીટન કોર્ટની પ્રોસીડીંગ્સને પડકારતી રિવીઝન અરજીમાં ફરિયાદપક્ષ અને સરકારની રજૂઆતો પૂર્ણ થઇ છે. સિટી-સિવિલ સેશન્સ કોર્ટે  આ અરજી પરનો ચુકાદો. 14 સપ્ટેમ્બર સુધી અનામત રાખ્યો છે. 

સુનાવણી દરમિયાન, ગુજરાત યુનિવર્સિટીના વકીલની રજૂઆત હતી કે, ગુજરાત યુનિવર્સિટી એ સ્વાયત્ત સંસ્થા છે અને તેને રાજયએ ઉભી કરી છે પરંતુ તે સંપૂર્ણપણે રાજય (સ્ટેટ)ની વ્યાખ્યામાં આવતી નથી કે તે રાજય સરકારના સંપૂર્ણ કંટ્રોલમાં નથી. યુનિવર્સિટી સેનેટ ઇલેકશન યોજી શકે છે, સ્વનિર્ભર સંસ્થા ચલાવી શકે છે. યુનિવર્સિટી મિલકત ભાડે કે વેચાણે આપી શકે છે અને તેથી તે સંપૂર્ણપણે સરકારના નિયંત્રણમાં નથી અને તેથી તેને સ્ટેટની વ્યાખ્યામાં ગણી ન શકાય.

જેની સામે અરજદારના વકીલની સેશન્સ કોર્ટમાં રજૂઆત હતી કે, ફરિયાદી ગુજરાત યુનિવર્સિટી આ પ્રકારે બદનક્ષીનો દાવો કરી શકે જ નહી કારણ કે, ગુજરાત યુનિવર્સિટી એ સરકારી સંસ્થા છે અને તે સ્ટેટની વ્યાખ્યામાં આવે છે, તેથી સ્ટેટ બદનક્ષીનો દાવો કરી શકે નહી. યુનિવર્સિટી ભલે પબ્લીક ફંકશન કે પ્રક્રિયા હાથ ધરી શકતી હોય તેનાથી તેની સ્ટેટની વ્યાખ્યા મટી જતી નથી. તે સ્ટેટની વ્યાખ્યામાં જ આવે છે.

કેજરીવાલના વકીલે એ પણ રજૂઆત કરેલી કે આ કેસમાં ફરિયાદી યુનિવર્સિટી દ્વારા જે વીડિયો  ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરાયો છે, તેની પણ અધિકૃત ચકાસણી કરાઇ નથી. યુનિવર્સિટીના વકીલની રજૂઆત હતી કે, સંપૂર્ણ વીડિયો મેટ્રો કોર્ટે જોયા બાદ ચાર સાહેદોની જુબાની લેવામાં આવેલી. ત્યાર બાદ આરોપીઓ સામે સમન્સ જારી કરાયા છે. વળી રિવિઝન અરજીમાં હાલના તબક્કે પુરાવા ઉપર પ્રશ્ન ન ઉઠાવી શકાય.આ મુદ્દે ટ્રાયલ કોર્ટ કેસની સુનાવણી દરમ્યાન નિર્ણય લેશે. ડિગ્રીની માહિતી છેક વર્ષ 2016થી યુનિવર્સિટીની વેબસાઇટ પર અપલોડ હોવછતાં આપના નેતાઓએ પીએમની ડિગ્રીને લઇ ગુજરાત યુનિવર્સિટી વિશે બેફામ અને બદનક્ષીભર્યા  નિવેદનો કર્યા હતા. આમ મેટ્રો કોર્ટની પ્રોસીડીંગ્સ યોગ્ય અને કાયદેસર છે. સરકારપક્ષ તરફથી પણ આપના નેતાઓની રિવીઝન અરજી ફગાવી દવાની રજૂઆત કરાઇ હતી.