Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ સુનિતા અગ્રવાલની નિમણૂંક બાદ, હવે તેમનો શપથ સમારોહ 23 જુલાઈના રોજ રવિવારે ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે યોજાશે. ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત દ્વારા જસ્ટિસ સુનિતા અગ્રવાલને ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસના હોદ્દા અને તેની ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે. આવતીકાલે રાજભવન ખાતે સવારે ૧૧ કલાકે યોજાનાર આ શપથ સમારોહમાં કાયદા પ્રધાન ઋષિકેશ પટેલ, હાઇકોર્ટના અન્ય ન્યાયમૂર્તિઓ સહિત ન્યાયતંત્રના પદાધિકારીઓ અને મહાનુભાવો ખાસ હાજરી આપશે.

જસ્ટિસ સુનીતા અગ્રવાલએ અલ્હાબાદ હાઈકોર્ટમાં છેલ્લા 11 વર્ષથી કાર્યરત હતા. ગુજરાત હાઈકોર્ટને એક વર્ષના ટુંકા ગાળામાં બીજા મહિલા ચીફ જસ્ટિસ મળ્યા છે. મહત્વનુ છે કે, થોડા મહિનાઓ પહેલા જસ્ટિસ સોનિયા ગોકાણીને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નિત કરાયેલા. જેઓ ટુંકા ગાળામાં નિવૃત્ત થયા હતા.

જસ્ટિસ સુનિતા અગ્રવાલે અવધ યુનિવર્સિટીમાંથી વર્ષ 1989મા કાયદામાં ડિગ્રી પ્રાપ્ત કરેલી અને આ પછી વર્ષ 1990માં તેણી વકીલ તરીકે એનરોલ થયેલા અને અલ્હાબાદ હાઈકોર્ટમાં સિવિલ બાબતોના કેસ લડતા હતા. સુનિતા અગ્રવાલ 21-11-2011ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના એડિશનલ જસ્ટિસ તરીકે નિમણૂંક પામેલા. આ પછી, 06-08-2013ના રોજ તેણી પરમેનેન્ટ જસ્ટિસ તરીકે નિયુક્ત થયા હતા. જસ્ટિસ સુનિતા અગ્રવાલે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વના ચુકાદાઓ આપેલા છે. લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશ પોલીસે ખોરાકના પેકેજનુ વિતરણ કરતા એક વ્યક્તિની ધરપકડ કરેલી. આ વ્યક્તિને મુક્ત કરવાનો જસ્ટિસ સુનિતા અગ્રવાલે આદેશ કરેલો અને ઉત્તરપ્રદેશને કહેલુ કે લોકડાઉન સમયની સ્થિતિને સમજો, લોકોને લોકડાઉનના પ્રોટોકોલ સમજાવો અને જાગૃતતા લાવવામાં મદદ કરો. આ ચુકાદો દેશભરમાં એક દિશા સમાન બનેલો.

હાઈકોર્ટના એસીજે એ. જે. દેસાઈનો વિદાય સમારંભ યોજાયો

ગુજરાત હાઈકોર્ટમાં એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત એવા એ. જે. દેસાઈની કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક કરાઈ છે. ત્યારે તેમનો શપથ સમારોહ પણ ટુંક સમયમાં યોજાશે. બીજી તરફ,  ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ, હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના હોદ્દેદારો, ન્યાયતંત્રના પદાધિકારીઓ સહિતના મહાનુભાવોએ શુક્રવારે હાઇકોર્ટના એકટીંગ ચીફ જસ્ટિસ એ. જે. દેસાઈનો વિદાય સમારંભ યોજીને તેમને કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક થવા બદલ શુભેચ્છા પાઠવી હતી.