Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- જૂનાગઢ  જિલ્લા બહારના આઈપીએસ અધિકારી કેસની તપાસ કરીને રિપોર્ટ આપે - અરજદાર

- પોલીસે જાહેરમાં લોકોને માર્યા અને કસ્ટડીમાં બેરહમીથી માર્યા - અરજદાર

જૂનાગઢમાં મજેવાડી પાસે સ્થિત ગેબનશા પીર મસ્જીદ (દરગાહ) પાસે બે જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં થયેલા પત્થરમારામાં ડીવાયએસપી ઘાયલ થયેલા અને એક વ્યક્તિનુ મોત થયેલુ. આ મુદ્દે થયેલી એફઆઈઆર બાદ જૂનાગઢ પોલીસે 8થી 10 લોકો સામે એફઆઈઆર નોંધેલી છે. આ પછી, પોલીસે એક તરફી કાર્યવાહી કરીને જાહેરમાં આ લોકો પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે, કસ્ટડીમાં પણ બેરહમીથી માર્યા છે, આ લોકોને શારિરીક અને માનસિક રીતે પણ હેરાન કર્યા છે, ધરપકડ બાદ તેમને મોડેથી કોર્ટ સમક્ષ રજૂ કરેલા છે. જે લોકો શંકાસ્પદ કે આરોપી હતા તેમની સ્થિર કે અસ્થિર મિલકતને પોલીસે નુકસાન પહોંચાડ્યુ છે. અટકાયત કરેલા લોકોમાં અંદાજે છ જેટલા બાળ આરોપીઓ પણ હતા. પોલીસે જે લોકોને જાહેરમાં માર્યા છે, તેનો વિડીયો પણ વાઈરલ થયેલો છે. પોલીસનુ આ વર્તન સુપ્રીમ કોર્ટના ચુકાદાના સરેઆમ ભંગ સમાન છે. પોલીસનુ આ જ પ્રકારનુ વલણ ગત વર્ષે ખેડા જિલ્લામાં નવરાત્રિ સમયે પણ જોવા મળેલુ, જેમાં પોલીસે જાહેરમાં લોકોને મારેલા. આ મુદ્દે જવાબદારો સામે હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી. ધરપકડ કરાયેલાઓને જ્યારે સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયા ત્યારે તેમણે રજૂઆત કરેલી કે પોલીસે તેમને માર્યા છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે અરજદારને આદેશ કર્યો છે કે આ કેસની અરજીની નકલ સરકારી વકીલને આપો, અન્ય જે પણ આક્ષેપો છે તેના સંબંધિત કાગળ રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી 28 જૂને હાથ ધરાશે.

અરજદારની માગ છે કે જૂનાગઢ પોલીસ દ્વારા લોકો પર આચરાયેલા આ દમનના મુદ્દે જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ અને પ્રિન્સિપાલ સેશન્સ જજ પાસે તપાસ કરાવો અને રિપોર્ટ મગાવો, જૂનાગઢ રેંજ કે જિલ્લા બહારના આઈપીએસ અધિકારી પાસે પોલીસના આ અમાનુષી અત્યાચાર, શંકાસ્પદ કે આરોપીની મિલકતોને નુકસાન પહોંચાડવા મુદ્દે તપાસ કરાવો અને રિપોર્ટ મગાવો, જવાબદાર પોલીસ કર્મી સામે એફઆઈઆર નોંધવા નિર્દેશ આપો, પિડીતોને થયેલા નુકસાનને લઈ તેમને વળતર આપવામાં આવે અને તેમને વચગાળાની રાહત પણ આપો.

સુનાવણી દરમિયાન, અરજદારની રજૂઆત હતી કે પોલીસે 150થી 200 લોકોની અટકાયત કરેલી તેમને મામલતદાર સમક્ષ રજૂ કરાયેલા. જ્યારે અટકાયત કરાયેલાઓમાં ચાર જુવેનાઈલ હતા, તેમને રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવેલા છે. આ લોકોએ પોલીસના અત્યાચાર સામે કરેલી ફરિયાદને પાછી લેવા માટે પોલીસે દબાણ કરેલુ અને ફરિયાદ પાછી ખેંચાવડાવી છે. આ લોકો માટે જૂનાગઢમાં પોલીસના ડરથી કોઈ વકીલ કેસ લડવા માટે તૈયાર નથી.

મહત્વનુ છે કે, ગત મહિને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નરસિંહ મહેતા તળાવ વિકસાવવાના ભાગ રૂપે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાયેલી છે. જેમાં સો વર્ષ જુની જંગલશા પીર દરગાહને તોડી પડાઈ છે અને અન્ય દરગાહ તોડવાની કામગીરી સમયે લોકોએ વિરોધ કરેલો છે. જેમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયેલુ. જૂનાગઢ મનપાની આ ડિમોલીશનની કામગીરી સામે ભૂતકાળમાં હાઈકોર્ટમાં અરજી કરાયેલી છે.