Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- નિયમોની માહિતી નથી તો પોલીસ ક્યાં આધારે દેખાવો માટેની અરજીઓને નકારી રહી છે? - હાઈકોર્ટ

- હાઈકોર્ટમાં અમદાવાદ પોલીસનો જવાબ, ક્યાં નિયમો હેઠળ દેખાવો માટેની અરજી નકારાય છે, તેની વિગત હાલ મળતી નથી

અમદાવાદ પોલીસ વતી રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે શહેરમાં દેખાવો કરવા માટે થતી અરજીઓને પોલીસ દ્વારા નકારવામાં આવે છે તે ક્યાં નિયમો હેઠળ નકારવામાં આવે છે તેની માહિતી મળતી નથી. અમદાવાદ શહેરના એડિશનલ પોલીસ કમિશનરે (એડમિનિસ્ટ્રેશન) હાઈકોર્ટમાં જવાબ રજૂ કરેલો કે ગુજરાત પોલીસ એક્ટ 1951ની સેક્શન 33 હેઠળ કોઈ નિયમો બનેલા નથી. જેથી, આ બાબતે તપાસ કરવી પડશે અને આ સંદર્ભે જવાબ રજૂ કરવા માટે એક માસનો સમય આપો.

રાજ્ય  સરકારની રજૂઆત હતી કે તેઓ એમ નથી કહેતા આ અંગે કોઈ નિયમો નથી. અમદાવાદ પોલીસ એમ કહે છે કે આ અંગે જે નિયમો છે તે અંગે તેમને હાલ કોઈ માહિતી નથી. આ અંગે પોલીસ ગૃહ વિભાગ સાથે ચર્ચા કરશે. આ રજૂઆત બાદ, હાઈકોર્ટે અમદાવાદ પોલીસને નિર્દેશ આપ્યો છે કે આ અંગે વિગતવાર જવાબ રજૂ કરો. હાઈકોર્ટે સરકારને સવાલ કરેલો કે નિયમો અંગે માહિતી નથી તો પોલીસ ક્યાં આધારે દેખાવો માટેની અરજીઓને નકારી રહી છે? સરકારે જ નિયમો બનાવેલા છે અને તમને મળતા નથી તે જાણીને નવાઈ લાગે છે. છેલ્લા છ માસથી પોલીસ આ વાતને ખેંચી રહી છે. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ છે. જેનો અભ્યાસ કરવાનો છે અને આ માત્ર 10 મિનિટનુ જ કામ છે. પોલીસ આટલો લાંબો સમય કેમ લે છે? પોલીસનો આ જવાબ ગેરમાર્ગે દોરનારો છે. આ મુદ્દે વિગતવાર જવાબ 10 દિવસમાં રજૂ કરો. હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 3 જુલાઈએ હાથ ધરાશે.   

અરજદારના વકીલની રજૂઆત હતી કે પોલીસનો આ જવાબ ધ્યાન પર લેવો જરૂરી છે. આ ગુપ્ત ધારો છે, તે બહુ ખતરનાક છે. પોલીસ પાસે દેખાવો કરવાની મંજૂરી માગતી અસંખ્ય અરજીઓ પડતર છે. જેથી, આ બાબત અગત્યની છે.

કેસની વિગત જોઈએ તો, એક મહિલા દ્વારા સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં દેખાવો કરવા માટે ડિસેમ્બર-2019માં પોલીસની મંજૂરી માગેલી, જો કે પોલીસે તેની અરજી નકારેલી અને તેની સામે તેણે હાઈકોર્ટમાં અરજી કરેલી. જેમાં ચાલુ વર્ષે હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરને આદેશ કરેલો કે ક્યાં નિયમો અને કાયદા હેઠળ દેખાવની મંજૂરી અપાતી નથી તેની માહિતી જાહેર કરો. જો કે, અમદાવાદ પોલીસે આ માહિતી ન આપતા અરજદારે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી કરેલી. જેમાં, અમદાવાદ પોલીસ આ જવાબ રજૂ કરેલો છે.