Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઈઝરાયેલ-હમાસ યુદ્ધના 22માં દિવસે ઈઝરાયેલી સેનાને એક મોટી સફળતા મળી છે. ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે દાવો કર્યો કે સેનાએ હમાસ એરફોર્સના ચીફ અસેમ અબૂ રકાબાને ઠાર કર્યો છે. રકાબા હમાસ દ્વારા 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. 

ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે પોતાના સત્તાવાર X હેન્ડલ પર પોસ્ટ કરતા હમાસ એરફોર્સના ચીફ અબૂ રકાબાને ઠાર કર્યો હોવાની પુષ્ટિ કરી છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે, રકાબા હમાસના યૂએવી, ડ્રોન, પેરાગ્લાઈડર માટે પણ જવાબદાર હતો. તેણે 7 ઓક્ટોબરના હુમલાની યોજના બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સાથે જ તેણે પેરાગ્લાઈડર પર ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરતા આતંકવાદીઓની કમાન સંભાળી હતી અને ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સની ચોકીઓ પર ડ્રોન હુમલા માટે જવાબદાર પણ હતો.

એરફોર્સ ચીફને ઠાર કર્યો હોવાનો દાવો

ગત 7 ઓક્ટોબરના રોજ હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારપછી ઈઝરાયેલે યુદ્ધનું એલાન કર્યું હતું. હમાસના હુમલામાં ઈઝરાયેલના 1400થી વધુ નાગરિકોના મોત થયા છે. તે સાથે જ કેટલાક ઈઝરાયેલી નાગરિકોને હમાસે બંધક બનાવ્યા છે. 7 ઓક્ટોબરના હુમલા બાદ ઈઝરાયેલ ગાઝા પટ્ટીમાં ઘૂસીને હમાસના ઠેકાણા પર સતત હુમલો કરી રહ્યું છે. ઈઝરાયેલના ગાઝાપટ્ટી પર કરવામાં આવી રહેલા હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 7,500થી પણ વધુના મોત થયા છે. તેવી સ્થિતિમાં હવે ઈઝરાયેલે હમાસના એરફોર્સના ચીફને ઠાર કર્યો હોવાનો દાવો પણ કર્યો છે. 

IDFને એક દિવસ પહેલા પણ મળી મોટી સફળતા

IDFને એક દિવસ પહેલા પણ મોટી સફળતા મળી હતી. જ્યારે સેનાએ હમાસના પશ્ચિમી ખાન યૂનિસ બટાલિયનના કમાન્ડર મદથ મુબશરને ઠાર કર્યો હતો. અગાઉ શનિવારે ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે, તેણે ગાઝા પટ્ટીના ઉત્તરમાં 150 અન્ડરગ્રાઉન્ડ ઠેકાણા પર હુમલો કર્યો છે. તેમાં આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી સુરંગો પણ સામેલ છે.