Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ઈસ્કોન બ્રિજ પર નવ નિર્દોષ લોકોને કચડી નાખવાના કેસમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીમાં સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર અને તપાસ કરનાર એજન્સીને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 27 સપ્ટેમ્બરે હાથ ધરાશે. સુનાવણી બાદ, અરજદારના વકીલે નજીકના દિવસની મુદત માગી હતી. જો કે, હાઈકોર્ટે આ માગને નકારી દીધી હતી અને અરજદારને ટકોર કરેલી કે એવી મુદત માગો નહીં કે જે દિવસે સુનાવણી થઈ શકે નહીં. વારંવારની મુદત કરતા જે દિવસે સુનાવણી શક્ય હોય તે દિવસની મુદત કોર્ટ આપશે.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, તેની વિરુદ્ધ આ કેસમાં આઇપીસીની કલમ-૫૦૪ હેઠળનો ગુનો બને છે અને તે જામીનલાયક ગુનો છે, તેથી આરોપીને જામીન આપો, અરજદાર વિરૂધ્ધ જે અન્ય કલમો લાગુ પાડવામાં આવી છે તે ખોટી રીતે લાગુ કરાઈ છે. બીજી તરફ, પીડિતો દ્વારા આ અરજીનો વિરોધ રજૂ કરવા માટે કોર્ટ પાસે મંજૂરી માગવામાં આવી હતી. જે માગને કોર્ટે સ્વીકારી છે અને રજીસ્ટ્રીને તે સ્વીકારવા આદેશ આપ્યો છે.

મહત્વનુ છે કે, અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટે અરજદાર પ્રજ્ઞેશની કેન્સરની સારવારના મુદ્દે માગેલી વચગાળાની જામીન અરજી ફગાવી દીધેલી છે. આ પહેલા પણ કોર્ટે તેની કાયમી જામીન અરજી ફગાવી દીધેલી.