Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- આરોપીઓનો આક્ષેપ જેલમાં વકીલને કે પરિવારજનોને મળવા દેવાતા નથી

- સરકારી વકીલની રજૂઆત, આક્ષેપ ખોટા છે, જેલ મેન્યુઅલનુ પાલન કરાઈ રહ્યુ છે

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પર નિર્દોષ નવ લોકોને કચડી નાખવાના કેસમાં પોલીસ દ્વારા આજે મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટમાં રજૂ કરેલા. કોર્ટમાં રજૂઆત વખતે આરોપી અને સરકારના વકીલ વચ્ચે વાકયુદ્ધ જોવા મળેલુ. સરકારી વકીલે આરોપીઓની દલીલને નકારતા રજૂઆત કરેલી કે, એકબાજુ આરોપીઓ કહે છે કે, વકીલ અને પરિજનોને મળવા દેવાતા નથી, ને બીજીબાજુ, વકીલ રોકવાની માંગણી કરી રહ્યા છે. આરોપીઓની ફરિયાદ તદ્દન ખોટી છે. કોર્ટે આ કેસની વધુ સુનાવણી પહેલી સપ્ટેમ્બરે હાથ ધરાશે.

સુનાવણી સમયે, તથ્ય પટેલ ચશ્મા અને બ્રાન્ડેડ ટી શર્ટ પહેરીને આવેલો. આ ચશ્મા નંબરના હોવાની વાત કરાયેલી. તથ્ય અને તેના પિતાએ કોર્ટને ફરિયાદ કરેલી કે, જેલમાં તેમના વકીલ કે પરિજનોને મુલાકાત આપવામાં આવતી નથી. આ અંગે કોર્ટે જેલ અધિકારીને સવાલ કરતા, તેમણે જણાવેલુ કે, વકીલને મુલાકાત માટે ના પડાઇ નથી. આ ઉપરાંત બંને પિતા-પુત્રએ વકીલ રોકવાના હોવાની રજૂઆત પણ કોર્ટને કરેલી. આ સમયે, મુખ્ય સરકારી વકીલે કોર્ટનું ધ્યાન દોરેલુ કે, એકબાજુ, આરોપીઓ કહે છે કે, વકીલ કે તેમના પરિજનોને મળવા દેવાતા નથી  અને બીજી તરફ, વકીલ રોકવા છે તેવી માગ કરે છે. આ વાતથી ફલિત થાય છે કે, આરોપીઓ કોર્ટને ગેરમાર્ગે દોરે છે, કોર્ટને ખોટી ફરિયાદ કરે છે.

તથ્ય પટેલે અભ્યાસ માટે મંજૂરી અને ઘરના ટિફિનની પણ માગ કરેલી. આ મુદ્દે મુખ્ય સરકારી વકીલની કોર્ટમાં રજૂઆત હતી કે, જેલમાં રહીને પણ અભ્યાસ કરી શકાય છે. જેલમાં તમામ કેદીઓને એકસમાન ટ્રીટમેન્ટ જ આપી શકાય. જેલમાં તેમના વકીલને પણ મળવા દેવાની ના પડાઇ નથી. જેલના નિયમ પ્રમાણે જે કંઇ કાર્યવાહી કરવાની થતી હશે તે કરાશે. આ મુદ્દે કોઇ બાંધછોડ હોઇ ના શકે.

પ્રજ્ઞેશ પટેલનુ અભિમાની વલણ

પોલીસ જાપ્તામાં જેલમાં લઇ જતી વખતે આરોપી પ્રજ્ઞેશ પટેલ જાહેરમાં બોલેલો કે, તે જેલમાંથી જલદી બહાર આવશે. આ માટે ગુજરાત હાઇકોર્ટ કે સુપ્રીમકોર્ટ સુધી જઈશુ. મહત્વનુ છે કે, આરોપી સામે પ્રજ્ઞેશ પટેલ સામે સામુહિક દુષ્કર્મ, ધાક-ધમકી સહિતના જુદા જુદા દસથી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.