Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ચાર્જશીટમાં કુલ 14 દસ્તાવેજી પુરાવા, 15 સાયન્ટિફિકના પુરાવા, કુલ 191 સાહેદો

ગત સપ્તાહે તથ્ય પટેલે પૂરપાટ ઝડપે કાર ચલાવીને 9 લોકોને કચડી નાખેલા

Ahmedabad: સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા હિટ એન્ડ રન કેસમાં અમદાવાદ પોલીસે એક સપ્તાહમાં તપાસ પૂરી કરીને, આરોપી તથ્ય પટેલ સામે 1684 પાનાની ચાર્જશીટ અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટ સમક્ષ રજૂ કરી છે.

પોલીસે રજૂ કરેલી ચાર્જશીટ મુજબ, આરોપી તથ્ય પટેલ સામે કુલ 14 દસ્તાવેજી પુરાવા અને એફએસએલના  કુલ 15 સાયન્ટિફિક પુરાવા રજૂ કરાયા છે. આ ઉપરાંત, સાહેદોની કુલ સંખ્યા 191 છે. આ અકસ્માતમાં નવ લોકોના મોત થયેલા છે અને તમામના પોસ્ટમોર્ટમ રિપોર્ટની નોંધ રજૂ કરાયેલી છે. કુલ નવ જેટલા ઈન્કવેસ્ટ પંચનામા છે અને કુલ 25 પંચનામા છે. આઠ લોકોના સારવારના સર્ટી રજૂ કરાયેલા છે, કુલ બાર લોકો ઘાયલ થયેલા છે, જેમાંથી હજુ બે લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સીઆરપીસીની કલમ 164 મુજબ આઠ લોકોના નિવેદનો લેવાયેલા છે અને તેને રજૂ કરાયા છે. હિટ એન્ડ રનનો આ કેસ 20 જુલાઈના રોજ બનેલો અને એક સપ્તાહમાં ચાર્જશીટ તૈયાર કરાઈ છે.

આ કેસની તપાસ માટે અમદાવાદ પોલીસ કમિશનરના હુકમથી ટ્રાફિક વિભાગના અધિક પોલીસ કમિશનરન માર્ગદર્શન હેઠળ ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 17 અધિકારીઓ અને કર્મચારીઓની તપાસ ટીમ બનાવવામાં આવેલી. હાલ આ કેસમાં સીઆરપીસીની કલમ 173 (8) મુજબ તપાસ ચાલુ છે.

પોલીસે વધુમાં જણાવ્યું છે કે, આરટીઓ તરફથી ગાડીની તપાસ કરાયેલી છે, ગાડીમાં બેસનારાઓની પણ તપાસ કરાયેલી છે, આરોપીનો ડીએનએ ટેસ્ટ પોઝિટીવ આવેલો છે, જેગુઆર ગાડીમાં જે સિસ્ટમ છે, તે ઈડીઈ સિસ્ટમ કંપની પાસેથી લેવાયેલી છે. જેમાં ગાડી ઓવરસ્પીડમાં હતી તેવુ તારણ આવેલુ છે. આ કારનો લાઈવ વિડીયો પણ મળેલો છે, જેને તપાસમાં લેવામાં આવેલો છે. આરોપીને રેસ લગાવીને ડ્રાઈવિંગ કરવાની આદત છે. આ કેસની તપાસ પોલીસ માટે એક પડકારજનક બાબત હતી.

કોર્ટે આરોપીના ત્રણ દિવસના જામીન મંજૂર કરેલા

આ અકસ્માત બાદ, પોલીસે આરોપી તથ્ય પટેલ અને તેના પિતાની ધરપકડ કરેલી. આ પછી, તેમને કોર્ટમાં રજૂ કરાયેલા. જેમાં, આરોપી તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરેલા. આ ઉપરાંત, તેના પિતાને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ. આ પછી, તથ્યના રિમાન્ડ પૂર્ણ થયા બાદ, પોલીસે આરોપીના વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલો છે.

શું છે સમગ્ર કેસ ?

કેસની વિગત જોઈએ તો, કેસની વિગત જોઈએ તો 20 જુલાઈએ ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે તથ્ય પટેલે જેગુઆર કારને પૂરપાટ ઝડપે ચલાવીને બે પોલીસ કોન્સ્ટેબલ, એક હોમગાર્ડ સહિત નવ લોકોને કચડી નાખ્યા હતા. આ ઉપરાંત, 13 લોકોને ઘાયલ પણ કર્યા હતા. આ અકસ્માત બાદ, પોલીસે તેની ધરપકડ કરેલી અને કોર્ટ સમક્ષ રજૂ કરીને તેના પાંચ દિવસના રિમાન્ડ માગેલા.