Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

પોલીસે આરોપી તથ્યના વધુ રિમાન્ડની માગ ન કરી

ગત સપ્તાહે તથ્ય પટેલે પૂરપાટ ઝડપે કાર ચલાવીને 9 લોકોને કચડી નાખેલા

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા હિટ એન્ડ રન કેસમાં અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટે આરોપી તથ્ય પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આજે તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ, પોલીસે કડક બંદોબસ્ત સાથે તથ્યને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. આ સમયે, પોલીસે તથ્ય પટેલના વધુ રિમાન્ડની કોઈ માગ કરી ન હતી. મહત્વનુ છે કે,  આ પહેલા ગયા સપ્તાહે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને જેલ હવાલે કર્યો હતો.

કેસની વિગત જોઈએ તો ગયા સપ્તાહે ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે તથ્ય પટેલે જેગુઆર કારને પૂરપાટ ઝડપે ચલાવીને બે પોલીસ કોન્સ્ટેબલ, એક હોમગાર્ડ સહિત નવ લોકોને કચડી નાખ્યા હતા. આ ઉપરાંત, 13 લોકોને ઘાયલ પણ કર્યા હતા. આ અકસ્માત બાદ, પોલીસે તેની ધરપકડ કરેલી અને કોર્ટ સમક્ષ રજૂ કરીને તેના પાંચ દિવસના રિમાન્ડ માગેલા અને કોર્ટે તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર પણ કરેલા. આ સમયે, કોર્ટ સમક્ષ સરકારની રજૂઆત હતી કે, આરોપીએ બેજવાબદારી અને લાપરવાહી પૂર્વક ફુલ સ્પીડે જેગુઆર કાર ચલાવીને રસ્તા પર અનેક લોકોને હડફેટે લઈને ઉડાવ્યા છે. સરકારની રજૂઆત હતી કે આરોપી સાથે કારમાં કોણ કોણ મિત્રો હતા, ઘરેથી નીકળ્યો ત્યારે તે ક્યા ક્યા મિત્રોને મળ્યો છે, મિત્રો સાથે તે કંઈ રેસ્ટોરન્ટમાં ગયો અને ક્યા પાન પાર્લરની તેણે મુલાકાત લીધી તે અંગેની પૂછતાછમાં તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી. આરોપી તપાસમાં સહકાર આપતો નથી, તેથી તેના રિમાન્ડ જરૂરી છે. કાર ચલાવતી વખતે ખરેખર કેટલી સ્પીડ હતી, કારના લાઈટ વિઝન મુદ્દે રિકંન્સ્ટ્રક્શન કરી તપાસની જરૂર છે, ઘરેથી નીકળ્યો ત્યારે આરોપીએ ક્યા ક્યા મિત્રોને મોબાઈલ દ્નારા કોલ કર્યા છે, તેના મોબાઈલમાંથી વોટ્સઅપ ચેટ અને કોલ ડિટેઈલ મેળવવાની બાકી છે, આરોપી અને તેની સાથે રહેલા અન્ય લોકોને સાથે રાખીને આરોપીનુ ક્રોસ વેરિફિકેકશન કરવાનુ છે, ભૂતકાળમાં આરોપીએ આ પ્રકારના ગુના આચરેલા છે કે નહીં તેની તપાસ કરવાની છે, અકસ્માતના ગુનામાં વપરાયેલા જેગુઆર કારના માલિકની તપાસ કરીને દસ્તાવેજની તપાસ કરવાની છે, અકસ્માત બાદ, મદદ માટે આવેલા ક્યા ક્યા લોકોને આરોપી અને તેના પિતાએ ધમકી આપેલી છે, આરોપી અને તેના મિત્રોએ નશાનુ કે ડ્રગ્સનુ સેવન કરેલુ છે કે નહીં, જો કર્યુ છે તો કોની પાસેથી તે મેળવેલ છે, તેના ક્યા ક્યા મિત્રોએ તેનુ સેવન કરેલુ છે, તેની તપાસ કરવાની બાકી છે. આરોપી આ બનાવ સમયે કોના સંપર્કમાં હતો અને ક્યા ક્યા પ્લાનિંગ કરેલ તેની તપાસ કરવાની બાકી છે.