Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- કેસમાં કોઈ ગુનાહિત ભૂમિકા નથી - અરજદાર

- ભૂતકાળમાં સેશન્સ કોર્ટે કાયમી અને મેડિકલ ગ્રાઉન્ડ પરની વચગાળાની જામીન અરજી ફગાવેલી

અમદાવાદ: ઈસ્કોન બ્રિજ પર નવ નિર્દોષ લોકોને કચડી નાખવાના કેસમાં આરોપી તથ્ય પટેલન પિતા પ્રજ્ઞેશ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં કાયમી જામીન અરજી ફાઈલ કરી છે. આ અરજી પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

અરજીમાં અરજદારની રજૂઆત છે કે આ કેસમાં પોલીસની તપાસ પૂર્ણ થઈ ચુકી છે અને તપાસ એજન્સીએ 24-07-2023ના રોજ કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરી દીધી છે. આ કેસમાં ફરિયાદીનો આક્ષેપ છે કે અરજદારના પુત્રએ 20-07-2023ના રોજ પૂરપાટ ઝડપ જેગુઆર કાર ચલાવીને ઈસ્કોન બ્રિજ પર નવ લોકોને કચડી નાખ્યા હતા. આ સમયે અરજદારનો પુત્ર તેના મિત્રો શ્રેયા વઘાસિયા, આર્યન પંચાલ, ધ્વનિ પંચાલ, શાન સોની અને માલવિકા પટેલ પણ તેની સાથે કારમાં હતા. અકસ્માત બાદ, અરજદાર ઘટના સ્થળે ગયેલો અને લોકો સાથે ઝઘડો કરીને તેના પુત્રને લઈને નાસી ગયેલો. જો કે, હકીકત એવી છે કે અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ તથ્યને મારેલો અને તેથી તેને બચાવવા તે ત્યાં લઈ ગયેલો. આ કેસમાં નીચલી અદાલતે અરજદારની કાયમી જામીન અરજી અને મેડિકલ ગ્રાઉન્ડ પર માગેલી વચગાળાની જામીન અરજી પણ ફગાવી દીધેલી છે. આ કેસમાં અરજદારની કોઈ ગુનાહિત ભૂમિકા નથી. અરજદાર મોઢાના કેન્સરથી પિડાઈ રહ્યો છે, હૃદયની તકલીફના લીધે તેણે સ્ટેન્ટ પણ મુકાવેલા છે. જેથી, આરોગ્યની જાળવણીના હેતુસર તેને જામીન આપો.