Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- અરજદારની કેન્સરની સારવાર સિવિલમાં સ્થિત કેન્સર હોસ્પિટલમાં કરાવી રિપોર્ટ રજૂ કરો - હાઈકોર્ટ

- પ્રજ્ઞેશ પટેલે મોઢાના કેન્સરની સારવાર અર્થે વચગાળાના જામીન માગેલા

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને નવ નિર્દોષ લોકોને કચડી નાખવાના કેસમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની કેન્સરની બિમારીના કારણોસર કરાયેલી વચગાળાની જામીન અરજી અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે હુકમ કર્યો છે કે, સિવિલ હોસ્પિટલ સ્થિત કેન્સર હોસ્પિટલમાં પ્રજ્ઞેશ પટેલની સારવાર કરાવવામાં આવે અને તે અંગેનો રિપોર્ટ દસ દિવસમાં અદાલત સમક્ષ રજૂ કરો. મહત્વનુ છે કે, ભૂતકાળમાં પણ કોર્ટે પ્રજ્ઞેશની કાયમી જામીન અરજી ફગાવી હતી.

સુનાવણી દરમિયાન, મુખ્ય સરકારી વકીલની કોર્ટમાં રજૂઆત હતી કે, આરોપીની કામચલાઉ જામીન અરજીમાં એવા કોઇ કારણો નથી કે જેથી તેના વચગાળાના જામીન મંજૂર કરી શકાય. કેન્સરની બિમારીનું કારણ આરોપીએ કામચલાઉ જામીન અરજીમાં રજૂ કર્યું છે.

ભૂતકાળમાં કોર્ટે ફગાવેલી કાયમી જામીન અરજીમાં અરજદારે ક્યાંય પણ આ બિમારીનો ઉલ્લેખ જ કર્યો નથી. તેણે આ બિમારી સંદર્ભે સારવાર લીધી હોય તેના નક્કર પુરાવા રજૂ કરાયા નથી. જે પણ કાગળો રજૂ કરાયા છે, તે માત્ર રસીદો જ છે. જેના લીધે સારવાર ચાલુ હોવાનું ફલિત થતુ નથી. જો અરજદારને આટલી ગંભીર બિમારી હતી તો તેણે ભૂતકાળમાં ફગાવાયેલી કાયમી જામીન અરજીમાં શા માટે દર્શાવી નહીં, હવે તેઓ આ કારણ દર્શાવે છે, જે શંકા અને સવાલો ઉભા કરે છે. આ ઉપરાંત, અમદાવાદમાં પણ કેન્સરની સારવાર થાય છે. જેથી, અરજદારની વચગાળાની જામીન અરજી મંજૂર કરવામાં આવે નહીં.