Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- જેલમાંથી બહાર આવવા તરફડિયા મારતા પ્રજ્ઞેશ પટેલે કેન્સરની બિમારીની સારવારનુ કારણ આગળ ધરીને વચગાળાના જામીન માગ્યા

- નવ ઓગષ્ટે કોર્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી ફગાવેલી

અમદાવાદ: સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનાર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે મિરઝાપુર સ્થિત અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટમાં વચગાળાની જામીન અરજી ફાઈલ કરી છે. જેમાં, તેણે પોતાની કેન્સરની બિમારીની સારવાર અર્થે વચગાળાના જામીન માગ્યા છે. આ અરજી પરની સુનાવણી આવતીકાલે હાથ ધરાય તેવી શક્યતા છે.  

મહત્વનુ છે કે, નવ ઓગષ્ટે અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટે આરોપી પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીને ફગાવી દીધી હતી. ત્યારે જેલ બહાર આવવા માટે વલખા મારતા પ્રજ્ઞેશ પટેલે વચગાળાના જામીન મેળવવા માટે કેન્સરની બિમારીનુ કારણ આગળ ધરીને વધુ એક અરજી કોર્ટમાં કરી છે. અરજીમાં અરજદારની રજૂઆત છે કે, તેને કેન્સરની બિમારી છે અને તેની સારવાર માટે મુંબઇ, અમદાવાદ સહિતના સ્થળોએ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતા હોય છે. જેની સારવાર ઘણા સમયથી ચાલી રહી છે. બિમારીની ગંભીરતા જોતાં તેમને સારવાર કરાવવા માટે મુંબઇ જવુ પડે તેમ હોઇ વચગાળાના જામીન આપવામાં આવે. અદાલત દ્વારા કામચલાઉ જામીન આપતી વખતે જે શરતો કહેશે તેનું પણ પાલન કરવા તૈયાર છે.

મહત્વનુ છે કે, 20 જુલાઈએ અમદાવાના ઈસ્કોન બ્રિજ પર આરોપી તથ્ય પટેલે પૂરપાટ ઝડપે જેગુઆર કાર ચલાવીને અનેક લોકોને કચડ્યા હતા અને ઉડાવ્યા હતા. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ નવ નિર્દોષ લોકોના મોત થયા હતા. જ્યારે 12 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના પ્રત્યાઘાત એટલા ગંભીર પડ્યા હતા કે, રાજ્યના ગૃહવિભાગે આ કેસમાં ત્વરિતપણે તપાસના આદેશ કરેલા અને અમદાવાદ પોલીસ કમિશનરની નજર હેઠળ કેસની તપાસ થયેલી અને પોલીસે એક સપ્તાહમાં જ આ કેસમાં આરોપી તથ્ય પટેલ સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ અકસ્માત બાદ, આરોપી તથ્યનો પિતા પ્રજ્ઞેશ પટેલ ઘટના સ્થળે ગયો હતો. તેના પર આરોપ છે કે તેણે હાજર લોકોને ધમકાવેલા અને અપશબ્દો કહીને લોકો વચ્ચેથી તથ્યને લઈ ગયેલો. જેથી, આ કેસમાં પોલીસે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ આરોપી બનાવેલો છે.