Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતથી ભારત રશિયા પાસેથી રાહત ભાવે જંગી માત્રામાં ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ 6 મહિનામાં ભારતીય ઓઇલ રિફાઇનિંગ કંપનીઓએ રશિયાથી સસ્તા તેલની આયાતની મદદથી અબજો ડોલરથી પણ વધુની બચત કરી છે.

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ આયાતકાર દેશ છે. ભારત તેની કુલ ક્રૂડ ઓઈલની 85% થી વધુ જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. મૂલ્યની દ્રષ્ટિએ પણ ક્રૂડ તેલ ભારતના વેપારની યાદીમાં ટોચ પર છે.

ભારતીય તેલ બજારમાં રશિયાનો મોટો હિસ્સો

ભારત સરકારના સત્તાવાર વેપાર ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે ભારતીય રિફાઈન કંપનીઓએ ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ઓઈલની મદદથી પ્રથમ 6 મહિનામાં અંદાજે $3.3 બિલિયનની બચત કરી છે.

યુક્રેન યુદ્ધ પહેલા રશિયા ભારતને તેલનો નજીવો સપ્લાયર હતો. એપ્રિલ-સપ્ટેમ્બર 2023ની વચ્ચે રશિયાએ ભારતને સૌથી વધુ તેલની નિકાસ કરી હતી. આ સમયગાળા દરમિયાન ભારતની કુલ તેલ આયાતમાં રશિયાનો હિસ્સો વોલ્યુમની દ્રષ્ટિએ લગભગ 39% અને મૂલ્યની દ્રષ્ટિએ લગભગ 36% હતો.

 ફેબ્રુઆરી 2022માં યુક્રેન વિરુદ્ધ રશિયાની કાર્યવાહી પછી પશ્ચિમી દેશોએ રશિયા પાસેથી તેલની આયાત બંધ કરી દીધી છે. તે પછી રશિયા ભારતને રાહત ભાવે તેલની નિકાસ કરી રહ્યું છે. ભારતીય ઓઈલ રિફાઈનિંગ કંપનીઓએ આ ઓફરને બંને હાથે લઈ લીધી અને થોડા જ મહિનામાં રશિયા ભારતને સૌથી વધુ તેલ નિકાસ કરતો દેશ બની ગયો.

કંપનીઓએ 274 અબજ રૂપિયાની બચત

રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2023-24ના પહેલા છ મહિનામાં ભારતે લગભગ $63.86 બિલિયનના ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. ભારત જે ક્રૂડ ઓઈલ રશિયા પાસેથી આયાત કરે છે તે જો રશિયાને બદલે અન્ય કોઈ પણ દેશથી આયાત કરવામાં આવ્યું હોત તો ભારતે તે જ તેલ માટે અંદાજે 67.14 અબજ ડોલર ચૂકવવા પડ્યા હોત. જથ્થાની વાત કરીએ તો ભારતે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે રશિયા પાસેથી કુલ 817.35 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી.

એપ્રિલ-સપ્ટેમ્બરની વચ્ચે ભારતે રશિયા પાસેથી લગભગ $22.84 બિલિયનનું તેલ આયાત કર્યું હતું. જ્યારે જથ્થાની વાત કરીએ તો ભારતે રશિયા પાસેથી 317.96 મિલિયન બેરલ તેલની આયાત કરી છે.

ઇરાક એપ્રિલથી સપ્ટેમ્બર 2023 દરમિયાન રશિયા પછી ભારતને તેલનો બીજો સૌથી મોટો સપ્લાયર હતો. ભારતે ઈરાકમાંથી તેલની કુલ આયાતના 20.4% જેટલી આયાત કરી હતી. તે જ સમયે સાઉદી અરેબિયા 14.3%  શેર સાથે ત્રીજા સ્થાને છે. યુક્રેન યુદ્ધ પહેલા ઇરાક ભારતને સૌથી વધુ ઓઇલ સપ્લાયર હતું.

લગભગ 12% છૂટ

રિપોર્ટ મુજબ ભારતીય રિફાઇનર્સે રશિયન ઓઇલ માટે સરેરાશ $71.83 પ્રતિ બેરલ ચૂકવ્યા હતા. તે અન્ય દેશોમાંથી આયાત કરાયેલા ક્રૂડ ઓઈલની કિંમત કરતાં બેરલ દીઠ $10.32 નીચું છે. ભારતીય તેલ કંપનીઓને રશિયાથી તેલની આયાતમાં સરેરાશ 12.6% પ્રતિ બેરલ ડિસ્કાઉન્ટ મળ્યું છે.

ભારતના વિદેશી વેપારની સરખામણીમાં $3.3 બિલિયનની રકમ કદાચ વધારે ન હોય પણ આ બચત દેશની મોટી તેલ આયાત કરતી કંપનીઓ માટે યોગ્ય અને પર્યાપ્ત છે. રિપોર્ટ મુજબ આ બચત મુખ્યત્વે 5 ભારતીય કંપનીઓને થઈ છે.

સરકાર કોમોડિટી અને દેશ મુજબના વેપારના ડેટા જાહેર કરે છે. હાલમાં સપ્ટેમ્બર સુધીનો ડેટા ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયની વેબસાઇટ પર જ ઉપલબ્ધ છે. ક્રૂડ ઓઈલની કિંમત ગ્રેડ પર આધારિત હોવાથી તેની કિંમતો અલગ-અલગ હોઈ શકે છે. સરકાર ગ્રેડ વાઇઝ ડેટા જાહેર કરતી નથી. તેથી રિપોર્ટ તૈયાર કરવા માટે ક્રૂડ ઓઈલની સરેરાશ જમીની કિંમત અને આયાત જથ્થાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ઇઝરાયેલના સૈનિકોએ હમાસમાં અત્યાર સુધીમાં લગભગ 130 ટનલનો નાશ કર્યો