Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાત એસ.ટી. નિગમના ફીક્સ પગારના વર્ગ-2, 3 અને 4ના અધિકારી-કર્મચારીઓ માટે વર્ષનો અંતિમ સમય ખુશી લઈને આવ્યો છે. લોકસભા ચૂંટણીના બ્યૂગલ વાગે તે પહેલા સરકારી બાબુઓની નારાજગી દૂર કરી સાચવી લેવા સરકારે પ્રયાસ કરી વેતન વધારાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત એસ.ટી. નિગમમાં ફીક્સ પગારદાર તરીકે વર્ગ-2થી વર્ગ-4 સુધીમાં ફરજ બજાવતા કર્મચારી-અધિકારીઓના વેતનમાં વધારો કરવા માંગણી કરાઈ હતી. જે માંગણી સંદર્ભે ગત તારીખ 26-10ના રોજ નિગમના માન્ય યુનિયનો સાથે બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં સમાધાન થતાં નિગમ દ્વારા સરકારમાં દરખાસ્ત કરાઈ હતી. જે દરખાસ્ત મંજૂર થતાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ફીક્સ પગારના અધિકારી-કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી ફીક્સ પગારના હજારો કર્મચારી-અધિકારીઓમાં હર્ષની લાગણી ફેલાય છે. કામદારોના હિતમાં લેવાયેલા નિર્ણયને ગુજરાત એસ.ટી. મજદૂર મહાસંઘના પ્રમુખ કનકસિંહ ગોહિલ, મહામંત્રી જગદીશભાઈ પટેલ સહિતના આગેવાનોએ આવકારી નિગમ-કામદારહિતમાં સહકાર મળતો રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ નિર્ણયથી વર્ગ-2 અધિકારી (સિનિયર)ના પગારમાં 12000, વર્ગ-2 અધિકારી (જુનિયર)ના પગારમાં 11400,  વર્ગ-3 સુપરવાઈઝર (ગ્રેડ-પે 4400)ના પગારમાં 26600, વર્ગ-3 સુપરવાઈઝર (ગ્રેડ-પે 2800, 4200)ના પગારમાં 17800, વર્ગ-3 એકમકક્ષાના પગારમાં 7500, વર્ગ-4 (તાંત્રિક)ના પગારમાં 5100 અને વર્ગ- 4(હેલ્પર) (તાંત્રિક)ના પગારમાં 5300વધારો થયો છે. આ લાભો ફીક્સ પગારના કર્મચારી-અધિકારીઓને ડિસેમ્બર પેઈડ ઈન જાન્યુઆરીથી અમલમાં રહેશે તેમજ સુધારેલા વેતનના લાભો અગાઉના સમયગાળાના એરિયર્સ સિવાય ચુકવવાના રહેશે તેમ પણ જાણવા મળ્યું છે. 

આ પણ વાંચો: વડોદરા જિલ્લાના વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી