Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

દિવાળીના દિવસોમાં નગરજનોને અવરજવર કરવામાં સરળતા મળી શકે તે માટે ડેપો તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેનો મુસાફરોએ ઘણો લાભ લીધો હતો. ગાંધીનગરથી રાજ્યના વિવિધ વિસ્તારો તરફ બસ દોડાવવામાં આવી હતી. તે અંતર્ગત  પાંચ દિવસ સુધી વિવિધ રુટ પર બસનું સંચાલન કરાયું હતું. જેના થકી રૂપિયા 21.51 લાખની આવક પ્રાપ્ત થઈ છે.

ગાંધીનગર એસ.ટી ડેપો દ્વારા દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી વધારાની બસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વસવાટ કરતા નગરજનોને વતન તરફ તેમજ ધાર્મિક સહિત અન્ય સ્થળોની મુલાકાતે  અવર-જવરમાં સાનુકૂળતા મળી શકે તે પ્રકારે સુવિધા પૂરી પાડવામાં આવી હતી. અગિયારસના દિવસથી દિવાળી પર્વનો પ્રારંભ થયો હતો  ત્યારે ગાંધીનગર એસ.ટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસ વિવિધ રુટ ઉપર દોડાવવામાં આવી હતી. સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ અને ઉત્તર ગુજરાતના રુટ પર આ દિવસો દરમિયાન એક્સ્ટ્રા બસ અવરજવર કરી હતી. તે અંતર્ગત 9 નવેમ્બરથી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં મુસાફરની માંગને ધ્યાનમાં રાખીને બસ દોડાવવામાં આવી હતી. ટિકિટ બુકિંગ કરાવવામાં પણ ભારે ધસારો  જોવા મળ્યો હતો. જેથી મુસાફરોને પણ અવરજવરમાં કોઈ પ્રકારની મુશ્કેલી ના પડે તે પ્રકારે વ્યવસ્થા હાથ ધરીને બસનું સંચાલન દિવાળી પર્વમાં ગાંધીનગર ડેપો દ્વારા કરવામાં આવ્યું હતું. આમ આ દિવસો દરમિયાન 266 ટ્રીપનું સંચાલન કરાયું હતું. જેનો 10512 મુસાફરોએ લાભ લીધો હતો. દિવાળી તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને ગાંધીનગર ડેપોએ 21,51,781 રૂપિયાની આવક પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચો: વર્લ્ડકપ ફાઇનલને લઇ અમદાવાદમાં કરાયો ચુસ્ત બંદોબસ્ત, સ્ટેડિયમમાં 4 હજાર પોલીસકર્મીઓ ખડેપગે રહેશે તૈનાત