Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ શહેરમાં વરસાદ પહેલા જ ભૂવા પડતા તંત્ર સામે લોકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં નાના-મોટા 24 જેટલા ભૂવા પડ્યાં છે. જેમાં શહેરના ઈસનપુર ગોવિંદવાડી વિસ્તારમાં ગતરોજ એક સિમેન્ટનો ટ્રક ભૂવામાં ફસાઈ ગયો હતો. જેને લોકોએ ભારે જહેમત બાદ બહાર નીકાળ્યો હતો. 

ચોમાસા પહેલા જ અમદાવાદ નગરી ભૂવાનગરી બની ગઈ છે. ચોમાસા પહેલા વગર વરસાદે શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે. શહેરના રાણીપ અને ઈસનપુરમાં મસમોટો ભૂવો પડ્યો છે. રાણીપમાં છેલ્લા 15 દિવસથી ભૂવો પડ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. તો બીજી બાજુ ઈસનપુરમાં ગઈકાલે ભૂવો પડ્યો હતો. ભૂવો કોર્ડન કરીને કોર્પોરેશને માત્ર સંતોષ માની લીધો છે. અયોગ્ય કામગીરીના કારણે સતત ભૂવા પડતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે.

મહત્વનું છે કે શહેરમાં ફતેહવાડી વિસ્તારમાં થોડાક દિવસો પહેલા એક દુર્ઘટના સર્જાઈ હતી. RCC રોડમાં ભૂવો પડતા એક કાર અચાનક ભૂવામાં ખાબકી હતી. કાર ભૂવામાં પડવાની ઘટના CCTVમાં કેદ થઈ હતી. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ફતેહવાડી વિસ્તારમાં જ્યાં ભૂવો પડ્યો હતો ત્યા ગત વર્ષે પણ ભૂવો પડ્યો હતો. ગત વર્ષે આ ભૂવામાં એક સ્કૂટર ખાબક્યું હતું. સ્કૂટર ભૂવામાં પડવાની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. 

શહેરમાં આજે સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી ઝાપટાને લઈ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણીના ખાબોચ્યા ભરાયા હતા. જે સાફ દેખાઈ રહ્યું કે શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરી કેટલી થઈ છે. જો કે, આગામી સમયમાં હવામાન વિભાગે શહેરમાં પાચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને કમિશનરથી લઈ તમામ અધિકારીઓ વચ્ચે પ્રિ-મોનસુનની બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગથી લઈ તમામ વિભાગો દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.