Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હાઈકોર્ટના કડક વલણ બાદ, અરજદારે અરજી પરત ખેંચી

ભૂતકાળમાં આ કેસમાં હાઈકોર્ટે ત્યાગવલ્લભસ્વામીને  રાહત આપેલી છે

રાજકોટના સોખડા હરિધામ સંચાલિત આત્મીય સંકુલમાં રૂ. 33 કરોડના ઉચાપત કેસમાં સંડોવાયેલા ત્યાગવલ્લભ સ્વામીના નજીકના સાથી એવા ડો.સમીર વૈદ્યે આ કેસમાં તેની સામેની પોલીસ ફરિયાદ રદ કરવાની માગ સાથે કરેલી ક્વોશિંગ અરજીને હાઇકોર્ટે ફગાવવાનુ કડક વલણ દાખવતા, અરજદારે અરજીને પરત ખેંચી છે.

રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે, કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે. આવા સમયે કવોશીંગ પિટિશનમાં રાહત આપી શકાય નહી. અરજદાર વિરૃદ્ધ પ્રસ્તુત કેસમાં પ્રથમદર્શનીય ગુનો બને છે અને તેથી ફરિયાદ રદ કરવાનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ડો.સમીર વૈદ્યની કવોશીંગ પિટિશન ફગાવી દેવાનું આકરું વલણ અપનાવતાં અરજદારે હાઇકોર્ટને વિનંતી કરી પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટના સોખડા હરિધામ મંદિરમાં રૂ..૩૩ કરોડની ઉચાપતના ચકચારભર્યા પ્રકરણમાં સાધુ ત્યાગવલ્લભ સ્વામી, ડો.સમીર વૈદ્ય સહિતના લોકો સામે રાજકોટ તાલુકા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે પ્રકરણમાં તાજેતરમાં જ રાજકોટ સેશન્સ કોર્ટે સાધુ ત્યાગવલ્લભસ્વામી અને ડો.સમીર વૈદ્યની આગોતરા જામીન અરજી પણ ધરાર ફગાવી દીધી હતી.

થોડા સમય પહેલાં આ જ કેસમાં ત્યાગવલ્લભ સ્વામીએ કરેલી કવોશીંગ પિટિશનમાં હાઇકોર્ટે તેમની વિરૃદ્ધની તપાસ સામે સ્ટે આપેલો. 

શું છે સમગ્ર મામલો ?

ત્યાગવલ્લભ સ્વામી વિરૃધ્ધ આ પ્રકરણમાં ગંભીર આરોપ લાગ્યા છે કે, તેમણે સત્સંગીઓના નામે અલગ-અલગ ૨૦ જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને આ ૨૦ ખાતામાં નવ જેટલા ખાતા સાધ્વીજીના હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. શિક્ષાપત્રી મુજબ, કોઇ સંત પોતાના નામે કે અન્યના નામે મિલકત કે જમીન ખરીદી શકે નહી પરંતુ ત્યાગવલ્લભ સ્વામી દ્વારા વડોદરાના આંસોજ, દશરથ, મોકસી, સોખડા સહિતના ગામોમાં જમીનો ખરીદાઇ હતી, જેમાં સાધુ પ્રેમસ્વરૃપ સ્વામીનું નામ પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું. ચેરિટી કમિશનરની તપાસમાં સમગ્ર કૌભાંડ રૂ. ૩૨.૨૬ કરોડથી વધુ હોવાનો પર્દાફાશ થયો હતો.