Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કૌભાંડને આજે 15 દિવસ પૂર્ણ થઈ ગયા છે છતાં  કુલપતિ નિરજા ગુપ્તા દ્વારા કોઈપણ પ્રકારના કાયદાકીય પગલા લેવાયા નથી. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ NSUI નેતા હસમુખ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આ કૌભાંડ સામે આવ્યા બાદ NSUI એ 72 કલાકનો પણ સમય આપ્યો હતો. પરંતુ આજે 72 કલાક નહીં પણ પંદર દિવસ વીતી ગયા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરાતા હોવાથી NSUI એ આજે કુલપતિ નીરજા ગુપ્તાને ઉગ્ર રજૂઆત કરી હતી. અને NSUI ના કાર્યકર્તા અને કુલપતિ સાથે લાંબી ચર્ચા પણ ચાલી હતી. પરંતુ આ તમામ વિરોધ બાદ પણ કોઈ નિરાકરણ આવ્યા પામ્યું નથી. જોકે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાની સામે જ NSUI ના કાર્યકર્તાઓ નારેબાજી કરવા લાગ્યા હતા. અને નીચે બેસી ગયા હતા. જેના કારણે પોલીસ અધિકારીઓ તથા NSUI ના કાર્યકર્તાઓની વચ્ચે પણ સામાન્ય બોલાચાલી થઈ હતી.  

ઉત્તરવહી કૌભાંડને આજે પંદર દિવસ પૂર્ણ થયા છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ થઈ છે અને PI જાડેજા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમજ તપાસમાં સન્ની ચૌધરી નામના વ્યક્તિનું આ કૌભાંડમાં નામ ખુલ્યું છે. જે પૂર્વમાં ABVP નો કાર્યકર્તા પણ રહી ચૂક્યો છે. તેમજ સની ચૌધરી અગાઉ NSUI માં પણ રહી ચૂક્યો હોવાના અહેવાલ છે. આ મામલે હાલ કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી અને કુલપતિ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તપાસ ચાલી રહી છે જોકે NSUI ના કાર્યકર્તાઓ કુલપતિની સામે ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપ માંડી રહ્યા હતા. તેઓ તંત્ર અને ભાજપ ઉપર સીધા આક્ષેપ કરતા જોવા મળ્યા હતા. તેમજ કુલપતિ દ્વારા કોઈ ઉપરી વ્યક્તિ દ્વારા દબાણવશ આમાં પગલાં ન લઈ રહ્યા હોવાના પણ આક્ષેપ તેઓએ કર્યા હતા. 

જોકે આ મામલે કુલપતિએ NSUI ના કાર્યકર્તાઓને શાંતિથી સમજાવતા કહ્યું હતું કે હું કોઈના દબાણથી કામ નથી કરી રહી, આપ સૌ ની રજૂઆત સાંભળવા માટે જ હું અહીંયા બેઠી છું. અને આપને જવાબ આપવો એ મારી ફરજ છે. જોકે માહોલ ઉગ્ર બનતા કુલપતિએ NSUI નાં તમામ કાર્યકર્તાઓને શાંતિથી વાત કરવા જણાવ્યું હતું. અને આટલી બધી સંખ્યામાં તમે લોકો આવો અને આ રીતે વાત કરો તો કોઈ પણ સમસ્યાનો હલ નથી આવતો, અને આપની પાસે આ મામલે વધુ કોઈ પુરાવા હોય તો અમને આપો અમે આ મામલે કાર્યવાહી પણ કરાવીશું. અને કુલપતિએ NSUI કાર્યકર્તાઓને વધુમાં જણાવ્યું હતું કે ઓછી સંખ્યામાં આવો સાથે મળીને ચર્ચા કરીશું અને આ મામલે જે પણ યોગ્ય કાર્યવાહી કરવા લાયક હશે એ પણ કરીશું. 

આ મામલે NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી NGN ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે આ મામલે વારંવાર રજૂઆત કરી રહ્યા છીએ છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં નથી આવતી, અમે કુલપતિને આ મામલે તમામ 14 વિદ્યાર્થીઓ જે કસૂરવાર છે તેમના નામ આપવા માટે પણ જણાવ્યું છે. જે મામલે કુલપતિએ જે 14 વિદ્યાર્થીઓ આ બાબતમાં આરોપી છે. જેમાં ગર્લ્સ પણ શામેલ છે જેના કારણે તેમનું નામ કાયદાકીય રીતે ન આપી શકાય તેવું જણાવ્યું હતું. બીજી તરફ NSUI દ્વારા પોસ્ટર લઈને પણ વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં આ મામલે જે પણ એજન્ટો આરોપી છે તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. વહાલા દહાલાની નીતિ અપનામાં આવી રહી છે. તેમજ કાર્યવાહીના નામે માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો કર્યા હતા.