Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

તમામ પોલીસ કર્મચારીઓને બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા આદેશ

જવાબદાર પોલીસ કર્મી સામે પગલા લો - અરજદાર

Gujarat: જૂનાગઢમાં લઘુમતી કોમના લોકો પર પોલીસ દમન અને ત્રાસ મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકાર અને જૂનાગઢ ડીવાયએસપી, ત્રણ પીઆઇ સહિત કુલ 32 પોલીસ કર્મચારીઓ વિરૃધ્ધ (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) અદાલતી તિરસ્કાર અંગેની નોટિસ પાઠવી છે. હાઇકોર્ટે અરજદાર પીડિતો દ્વારા લગાવાયેલા આરોપો સંદર્ભે તમામ પોલીસ કર્મચારીઓને બે સપ્તાહમાં જવાબી સોંગદનામું રજૂ કરવા આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી ઓગસ્ટ માસમાં હાથ ધરાશે.

પોલીસ અત્યાચારનો ભોગ બનનાર બે પીડિતોએ કરેલી  કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી સમયે રજૂઆત કરાઇ હતી કે, તાજેતરમાં જૂનાગઢમાં મજેવાડી વિસ્તારમાં ગેબનશા પીરની દરગાહની સામે લઘુમતી કોમના લોકો એેકત્ર થતાં સ્થાનિક પોલીસે લાઠીચાર્જ, જાહેરમાં માર મારવા સહિત પોલીસ દમન ગુજાર્યો હતો. પોલીસે આ કેસમાં લઘુમતી કોમના લોકોના ટોળા વિરૃધ્ધ ગુનો પણ દાખલ કર્યો હતો અને કેટલાક લોકોની અટકાયત કરી તેમના પર પોલીસ કસ્ટડીમાં પણ ત્રાસ ગુજાર્યો હતો. જેને લઇ સુપ્રીમકોર્ટના ડી.કે.બાસુના કેસના ચુકાદામાં અપાયેલ માર્ગદર્શિકા અને નિર્દેશોનુ તેમ જ માનવ અધિકારોનું હનન થયુ હોઇ કસૂરવાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરૃધ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એકટ હેઠળ કાયદાનસુાર પગલા લેવા હાઇકોર્ટે હુકમ કરવો જોઇએ.

અરજદાર તરફથી ધ્યાન દોરાયું કે, પોલીસે જેઓને માર્યા તેમાં ચાર છોકરા સગીર હતા. પોલીસના દબાણના કારણે તેના માતા-પિતાને જુવેનાઇલની ફરિયાદ પાછી ખેંચવાની ફરજ પડી હતી. અરજદારોએ એ પણ સ્પષ્ટ કર્યું કે, જે લોકોએ પોલીસની સંપત્તિને નુકસાન પહોંચાડયુ છે કે પોલીસ પર પથ્થરમારો કરી તેમને ઇજા કરી છે.  તેમના માટે અરજદારો કોઇ તરફેણ કરતા નથી. કારણ કે, જેમણે કાયદાનો ભંગ કર્યો તેઓને ચોક્કસ સજા કરવામાં આવે પરંતુ જે પોલીસે કાયદાનો દૂરપયોગ કરી સુપ્રીમકોર્ટના ચુકાદાનો ભંગ કરી નિર્દોષો પર પોલીસ અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેને લઇ અરજદારોની ફરિયાદ છે.