Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે U20 સમિટ દરમિયાન પડદાથી ગરીબીની દીવાલ ઢંકાઈ 

- રળિયામણા ગુજરાતનું ચિત્ર પડદા પર દર્શાવવામાં આવ્યું 

- વર્ષોથી રહેતા ગરીબોના ઝુંપડા તંત્ર દ્વારા તોડી પડાયા 

- લાઇટ કે પાણીની કોઈ સુવિધા નહીં, નથી ગટર લાઈનની વ્યવસ્થા 

- પ્રધાનમંત્રી આવાસ યોજના છતાં આ ગરીબો ઘરવિહોણા 

ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં તારીખ 7 અને 8 જુલાઈ દરમિયાન મેયોરલ સમિટ (U20 Mayoral summit) યોજાઇ હતી, જેમાં દેશ-વિદેશના મેયરો પણ આ સમિટમાં આવવાના હતા. તારીખ 7 જુલાઈના રોજ મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે આ સમિટની શરૂઆત કરવામાં આવી હતી અને દેશ-વિદેશના મેયરો પણ હાજર રહ્યા હતા. ત્યારે ગુજરાત (Gujarat)ની ગરીબી તંત્રએ પડદા દ્વારા ઢાંકી હતી અને વર્ષોથી ઝુંપડામાં રહેતા ગરીબોના ઝુંપડા પણ તોડી પડાયા હતા. પડદા લગાવી વિદેશી ડેલીગેટ્સને ગાંધીનગર સુંદર હોવાનો આભાસ કરાવાય છે. 

આ સમિટની શરૂઆત પહેલા વિદેશી ડેલીગેટ્સ અમદાવાદ ખાતે હેરિટેજ વોક (Heritage Walk Ahmedabad) પર ગયા હતા અને અમદાવાદના મેયર પણ હાજર રહ્યા હતા. ત્યાર બાદ આ સમિટની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કરાવી હતી. સરકાર અને તંત્ર સ્માર્ટ સિટીની વાતો કરતાં હોય છે, પરંતુ હકીકત કઈક અલગ જ હોય છે. સ્માર્ટ સિટી ખાલી નામનું હોય તેવું લાગે છે. 

આ સમિટ દરમિયાન NGN (New Gujarati News)ની ટીમ એ જ્યારે ગાંધીનગરની મુલાકાત લીધી હતી ત્યારે મહાત્મા મંદિર પાસે આવેલા રોડને તંત્રએ પડદાથી ઢાંકી દીધો હતો, અને રાજ્યને વધુ સુંદર દર્શાવવા આ પડદા પર અલગ અલગ જગ્યાના ચિત્રો દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ આ સુંદરતાની પાછળના દ્રશ્યો દુ:ખદ છે. તંત્રએ મહાત્મા મંદિર પાસે આવેલા 'ખ રોડ' પર  ગરીબોના ઝુંપડા પાડી નાખવામાં આવ્યા હતા અને ગરીબી ઢાંકવા માટે પડદા લગાડી દેવામાં આવ્યા હતા. 

NGNની ટીમે જ્યારે લોકો સાથે વાત કરી, ત્યારે લોકોએ જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન ન મળતા હોવાની વાત કરી. તંત્રને ગરીબોની વેદના સાંભળવામાં કોઈ રસ નથી. લોકોએ તેમની વેદના જણાવતા કહ્યું કે "કામ અમે બંગલાના કરીએ અને અમારા પાસે રહેવા માટે છાપરું પણ નહીં." ગરીબોને શું રહેવાનો કોઈ અધિકાર જ નહીં. મહિનામાં 3થી 4 વખત અમારા છાપરા પાડી જાય છે અને કોઈ આવાનું હોય તો પડદા લગાવી જાય છે. રહેવાની કોઈ જગ્યા નથી અમે ક્યાં જઈએ? ઘરમાં નાના બાળકો છે, તેને લઈને ક્યાં જાઈએ? તંત્રેને અમારી દરખાસ્ત છે કે જગ્યા આપે થોડી તો અમે છાપરું બનાવીએ. 

પ્રાથમિક સગવડો મેળવવા માટે આ લોકો વર્ષોથી ઝઝૂમી રહ્યા છે, તો પણ તેમને કોઈ પણ સુવિધા પૂરી પાડવામાં આવી નથી. "જળ એ જ જીવન છે", પણ આ લોકો પાણી માટે પણ રોજ વલખાં મારે છે. આ લોકો જ્યાં રહે છે, ત્યાં પણ અસહ્ય ગંદકી છે, જ્યાં ચોમાસાની ઋતુમાં રોગચાળાની પૂરેપૂરી શક્યતા રહે છે. પાણી પણ ત્યાં ભરાઈ જાય છે, જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ થાય છે. 

હાઇકોર્ટનો 85 ઘરો ફાળવવાના 4 વર્ષ પહેલાનો ઓર્ડર હોવા છતાં પણ હજુ સુધી આવસનું મકાન નથી મળ્યું. નવા લોકો જેટલા આવ્યા એ બધાને મકાનો સરકારે ફાળવ્યા, પણ અમે અહી 40-50 વર્ષી રહીએ છીએ, હજુ સુધી મકાન મળ્યા નથી. તંત્રના લોકો અમને હેરાન કરે છે, ધંધો પણ નથી કરવા દેતા. 

રસ્તા પર રહેતા ગરીબો લગભગ 40 વર્ષથી આ ઝુંપડામાં રહેતા હતા. તેઓ આવાસ યોજનાથી પણ વંચિત છે. તો સવાલ એ પણ ઊભો થાય છે કે સરકારી યોજનાના લાભો ગરીબો સુધી પહોંચે પણ છે કે કેમ? અને જો પહોંચતા હોય તો હજી સુધી આ લોકોને આવાસનો લાભ કેમ નથી મળ્યો? ઘરની વાત તો દૂર રહી, આ ગરીબો હાલ પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે. 

સરકાર અને તંત્ર સ્માર્ટ સિટિ અને ગુજરાતના વિકાસની વારંવાર વાતો કરતાં હોય છે, જો રાજ્યનો ખરેખર વિકાસ થયો હોય અને સ્માર્ટ સિટી તરફ પહેલ કરી હોય તો પછી વિકાસને પડદા પર દર્શાવવાની કેમ જરૂર પડે? એ પણ સવાલ છે કે તંત્ર એ પોતાના પાપ પડદાથી કેમ ઢાંકવા પડે? ગરીબોને કેમ હેરાન કરવામાં આવે છે? તેમના ઝુંપડા તોડી દેતા આ ગરીબો ઘરવિહોણા બન્યા છે, શું ગરીબોનો કોઈ અધિકાર નથી? આ લોકો પાસે પાયાની પણ સુવિધા નથી, ત્યારે આ ગરીબોની સરકાર અને તંત્રને વિનંતી છે કે રહેવા માટે જગ્યા આપે તો આ ગરીબો છાપરું બનાવીને ત્યાં રહી શકે.