Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ભાવનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ચાર સભ્યોને પોલીસ દ્વારા ગેરકાયદે રીતે ગોંધી રાખી તેમને મતાધિકારથી વંચિત રાખ્યા હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટ સમક્ષ ફરિયાદ કરાઇ હતી. જેથી કોર્ટે ભાવનગર એસપી પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. દરમિયાન રિપોર્ટમાં બે સભ્યોને પોલીસે પકડયા હોવાની અને મતાધિકારથી વંચિત રખાયા હોવાની વાત સામે આવતાં હાઇકોર્ટે અરજદાર પક્ષને આ મામલે અરજન્ટ પિટિશન કરવાની મંજૂરી આપી હતી અને કેસની સુનાવણી શુક્રવારે રાખી.

સુનાવણી દરમિયાન, અરજદારપક્ષ તરફથી આક્ષેપ કરાયા હતા કે, શિહોરની વલ્લભીપુર પોલીસ દ્વારા ચાર જેટલા સભ્યોને ગેરકાયદેસર રીતે પકડી લેવાયા છે અને તેઓને મતાધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. પોલીસ ચૂંટણી પ્રક્રિયામાં સત્તાનો દૂરપયોગ કરી શકે નહી, પરંતુ છતાં આવું થઇ રહ્યું છે. અમારી પાસે પિટિશન તૈયાર કરવાનો સમય નથી, તેથી આ ગંભીર બાબત કોર્ટના ધ્યાન પર મૂકીએ છીએ.

જેથી હાઇકોર્ટે તાત્કાલિક ભાવગનર એસપીને રિપોર્ટ રજૂ કરવા સરકાર પક્ષને હુકમ કર્યો હતો. બપોરે એસપીના રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે, પોલીસે ચાર નહી પરંતુ બે સભ્યોને પકડયા છે. પરંતુ તેઓને અપહરણની એક ફરિયાદના કેસમાં પકડયા હોવાનો બચાવ પોલીસ તરફથી રજૂ કરાયો હતો. જો કે, હાઇકોર્ટે આ વાતની ગંભીર નોંધ લઇ અરજદાર પક્ષને પોલીસના વલણને લઇ અરજન્ટ પિટિશન કરવી હોય તો દાખલ કરવાની મંજૂરી આપી હતી.