Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગાંધીનગર જિલ્લામાં રવી મોસમનો પ્રારંભ થઇ ગયો છે અને શિયાળુ પાકનું વાવેતર સારું થવાની ધારણા રાખવામાં આવી રહી છે. ત્યારે યુરિયા સહિતના વિવિધ ખાતરની માંગણી 38 થી 40 હજાર ટન સુધી પહોંચવાની ધારણા રાખવામાં આવી રહી છે. આ સંજોગોમાં જિલ્લામાં સબસીડાઇઝ ખાતરનું વેચાણ કરતી મંડળીઓને જરૂરતના પ્રમાણે નોંધ કરાવી દેવા અને ખાતરનો યોગ્ય સ્ટોક કરી લેવા જણાવાયું છે.

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાનની વિવિધ પાકના વાવેતરની ગાંધીનગર જિલ્લાની સરેરાશ 75 હજાર હેક્ટર વિસ્તાર ઉપરાંતની છે. મોસમનો માહોલ ધ્યાને રાખીને ખેડૂતો દ્વારા વાવણીની શરૂ કરી દેવાતા ચારે તાલુકામાં મળીને સરેરાશની આસપાસનું વાવેતર થવાની શક્યતા છે. જેના પગલે રાજ્યના કૃષિ વિભાગ અને ખેતી નિયમાકની કચેરી પણ હરકતમાં આવી છે. સારા વાવેતર થવાની સામે પુરતા પ્રમાણમાં વિવિધ ખાતરની જરૂરત પણ રહેશે. ગાંધીનગર જિલ્લામાં યુરિયા, ડીએપી અને પોટાશ આધારિત ખાતરનો શિયાળુ મોસમનો વપરાશ 38 થી 40 હજાર ટન સુધી પહોંચી શકે તેમ છે અને ખાતરની માંગણી જાન્યુઆરી મહિનાના અંત સુધી ખેડૂતો દ્વારા કરાશે. ત્યારે કંપનીઓ પાસે ખાતર ઉપલબ્ધ હોય પરંતુ ખેડૂતો સુધી પહોંચવામાં વિલંબ થાય તેવી સ્થિતિને નિવારવા માટે તંત્ર કામે લગાડી દેવાયું છે.

વિવિધ પૈકી યુરિયા ખાતરનો વપરાશ સર્વાધિક રહેતો હોય છે બીજાક્રમે ડીએપી અને બાદમાં પોટાશ આધારિત ખાતરનો ઉપયોગ ખેડૂતો દ્વારા જરૂરત પ્રમાણે કરતાં હોય છે. જોકે વાવતરની શરૂઆત થવાના સમયમાં પણ મંડળીઓ અને ખાનગી વિક્રેતાઓ પાસે થોડી ઘણી માત્રામાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. ખરા સમયે જ્યારે ખેડૂત માંગણી કરે ત્યારે ખાતર ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને સુચના અપાઇ છે. તેના માટે ગ્રામ્ય વિસ્તારમાં ખાલી મકાનોમાં ગોડાઉનની સવલત ઉભી કરવાની પણ મંડળીઓને મંજુરી અપાશે. જરૂરત નિયત કરીને પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો હાથવગો રાખવા મંડળીઓને તાકીદ કરી દેવાઇ છે.

આ પણ વાંચો: રાજ્યના 9 હજારમાંથી 6400 ટીઆરબી જવાનોને છૂટા કરી નવી ભરતી કરાશે