Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- ટ્રાયલ કોર્ટના હુકમ સામે અપીલમાં આવ્યા હોય અને સજા મોકુફ થઈ હોય તો પણ સરકારને નિર્ણય લેવાની સત્તા - હાઈકોર્ટ

- ટ્રાયલ કોર્ટે અરજદારને ઓફિશિયલ સિક્રેટ એક્ટ-1923 હેઠળના ફોજદારી ગુનામાં સજા ફટકારેલી

ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે કે, રાજ્ય સરકારના કર્મચારી કે અધિકારી સર્વિસમાં ચાલુ હોય તે દરમિયાન કોઈ કેસ થયો હોય અને તેના નિવૃત્ત થયા બાદ જો કોર્ટે તેમને કોઈ ગંભીર કેસમાં સજા ફટકારી હોય તો સરકાર આ પેન્શનરનુ પેન્શન તેને શો-કોઝ નોટિસ આપ્યા વગર બંધ કરી શકે છે. અધિકારી કે કર્મચારીને નિવૃત્તિ બાદ કોર્ટે સજા કરી હોય તો તે પ્રકારના કેસમાં પગલા લેવા માટે સરકારને સમયનો કોઈ બાધ નથી.

હાઈકોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે, પેન્શન રૂલ્સ-2002ના રૂલ 23 હેઠળ જો પેન્શનરને કોઈ ગંભીર ગેરવર્તુણુક કે ગંભીર ગુનામાં સજા થઈ હોય તો સરકાર તેનુ પેન્શન પાછુ ખેંચી શકે છે. આ કેસમાં અરજદારને ઓફિશિયલ સિક્રેટ એક્ટ-1923 હેઠળના ફોજદારી ગુનામાં કોર્ટે સજા ફટકારેલી છે. આ કેસમાં તેણે અપીલ કરેલી છે અને તેની સજા મોકુફ કરાયેલી છે તો પણ ડિસિપ્લિનરી ઓથોરિટી અથવા તો સરકારે અપીલના અંતિમ નિર્ણય સુધી રાહ જોવાની જરૂર નથી. સરકાર કે ડિસિપ્લિનરી ઓથોરિટી કાયદા મુજબ કાર્યવાહી કરી શકે છે. આ પ્રકારના નિવૃત્ત કર્મચારી કે અધિકારીનુ પેન્શન બંધ કરવા અંગે નિર્ણય લેતા પહેલા તેમને સુનાવણીની તક આપવાની કે તેને શો-કોઝ નોટિસ આપવાની પણ  જરૂર નથી.

સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારની રજૂઆત હતી કે જો પેન્શનરને કોઈ ગંભીર કેસમાં ટ્રાયલ કોર્ટે સજા ફટકારી હોય અને તેની સામેની અપીલ હાઈકોર્ટમાં પડતર હોય તો તે સ્થિતિમાં પણ પેન્શનર સામે સરકાર કાર્યવાહી કરી શકે છે. જો સજા મોકુફ થઈ હોય તો પણ પેન્શનર સામે સરકાર આ પગલા લઈ શકે છે.

અરજદારની રજૂઆત હતી કે સરકારે તેનુ પેન્શન અટકાવતા પહેલા તેને રજૂઆત કરવાની તક આપી નથી અને તેને શો-કોઝ નોટિસ પણ આપેલી નથી. સુનાવણી સમયે એવો પ્રશ્ન ઉભો થયેલો કે પેન્શનરને કોઈ ગંભીર કેસમાં ટ્રાયલ કોર્ટે સજા ફટકારી હોય અને તેની સામે હાઈકોર્ટમાં અપીલ પડતર હોય અને તેને સજા મોકુફ કરાઈ હોય તો તે સંજોગોમાં સરકરા તેનુ પેન્શન અટકાવી શકે કે નહીં?