Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજકોટ સિવિલની પેનલનો રિપોર્ટ, ગર્ભપાતની મંજૂરી અપાશે તો માતા અને ગર્ભમાં રહેલા શિશુને લઈને અનેક ગુંચવણો સર્જાશે

દુષ્કર્મ પીડિત સગીરાનો મામલો – સાત માસથી વધુનો ગર્ભ હોવાથી હાઈકોર્ટે ગર્ભપાત માટેની અરજી નકારી

આરોપીને કોર્ટમાં રજૂ કરાયો, તે પરણેલો અને તેની પત્ની પણ ગર્ભવતી

મોરબીની દુષ્ક્રમ પીડિત સગીરાના સાત માસથી વધુના ગર્ભના ગર્ભપાત માટેની અરજીને નકારી દીધી છે. હાઈકોર્ટે રાજકોટ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની પેનલના રિપોર્ટના આધારે આ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે સગીરાની પ્રેગનન્સી એડવાન્સ સ્ટેજમાં છે અને જો ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવે તો સગીરાના જીવને જોખમ છે અને ગર્ભમાં રહેલા શિશુને લઈ અનેક પ્રશ્નો સર્જાઈ શકે છે. હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ, નારી સંરક્ષણ ગૃહ અને અન્ય વિભાગના અધિકારીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. હાઈકોર્ટે તેમને પૂછેલુ કે આ સગીરા બાળકને જન્મ આપે તો ભવિષ્યમાં તેની દેખરેખ અને સારસંભાળ કેવી રીતે રાખવામાં આવશે. હાઈકોર્ટે સગીરાના પિતાને પણ સવાલ કરેલો કે તે સગીરાની સારવાર તેના ઘરે કરાવવા માગે છે કે પછી રાજકોટ સિવિલમાં કરાવવા માગે છે. આ સમયે સગીરાના પિતાએ કોર્ટને જણાવેલુ કે આ અંગે તે તેની દિકરીને પૂછીને કોર્ટને જાણ કરશે. બીજી તરફ, રાજકોટ સિવિલે હાઈકોર્ટને જાણ કરેલી કે તેઓ પીડિતાને તમામ પ્રકારની સારવાર આપવા માટે તૈયાર છે. તેના પરિવારજનો ગમે ત્યારે તેણીને ગમે ત્યારે મળી શકે છે.

હાઈકોર્ટના નિર્દેશ બાદ, જેલ તંત્રએ આરોપીને હાઈકોર્ટ સમક્ષ રજૂ કરેલો. આ સમયે, હાઈકોર્ટને જાણ કરાયેલી કે આરોપી પરણેલો છે અને તેની પત્ની ગર્ભવતી છે. હાઈકોર્ટે આરોપીની ઝાટકણી કાઢેલી. આ પછી, હાઈકોર્ટે આરોપીને જેલમાં પરત મોકલી આપેલો.

આ પહેલા સુનાવણી દરમિયાન, રાજકોટ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર્સની પેનલે સગીરાની મેડિકલ તપાસનો તેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરેલો. જેમાં જણાવેલુ કે પીડિતાને 30 થી 32 સપ્તાહથી વધુનો ગર્ભ છે, મતલબ કે તે સાત મહિનાથી વધુના સમયગાળાનો ગર્ભ છે અને તે એડવાન્સ સ્ટેજમાં છે. આ સ્થિતિમાં ગર્ભપાતને મંજૂરી આપવામાં આવે તો પીડિતા અને ગર્ભમાં રહેલા શિશુને લઈ અનેક પ્રકારના પ્રશ્નો સર્જાશે. જેથી, સગીરાને ગર્ભપાતની મંજૂરી આપવી યોગ્ય નથી.

આ પણ વાંચો : હાઈકોર્ટમાં ચાર લોકોનો આપઘાતનો પ્રયાસ, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા