Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- કંપની રજિસ્ટ્રારના અભિપ્રાયની ગેરહાજરીમાં આવી ફરિયાદ ટકી શકે નહી - હાઈકોર્ટ

- આ કેસમાં ડીએસપી સ્તરના અધિકારી તપાસ કરવાની હોય, પરંતુ તેનાથી નીચેની રેંકના અધિકારીએ તપાસ કરી છે – હાઈકોર્ટ

અમદાવાદ: હ્યુન્ડાઇ મોટર્સ કંપનીના ડુપ્લીટ સ્પેર પાર્ટસ બનાવવાના પ્રકરણમાં આરોપી ઓટોપાર્ટસ માલિક વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદને હાઈકોર્ટે રદ કરી છે. હાઇકોર્ટનુ અવલોકન છે કે,  કંપની રજિસ્ટ્રારના અભિપ્રાયની ગેરહાજરીમાં આવી ફરિયાદ ટકી શકે નહી અને આ પ્રકારની જપ્તી પણ થઇ શકે નહી. પોલીસ અને ફરિયાદી દ્વારા ટ્રેડ માર્ક એકટની જોગવાઇઓનું સરેઆમ ભંગ અને ઉલ્લંઘન કરાયુ છે. આ ગુનામાં નોંધાયેલી ફરિયાદ અને તેને આનુષંગિક કાર્યવાહી રદ કરાય છે.

હાઇકોર્ટે ચુકાદામાં એ પણ જણાવ્યું હતું કે, કંપનીઝ એકટની કલમ-115(4)ની જોગવાઇ સ્પષ્ટ છે કે, તપાસનીશ પોલીસ અધિકારી કે જે ખોટી રીતે ટ્રેડ માર્ક લાગુ કરાયુ છે અને વેપાર વર્ણિત કરી રહ્યા હોવા અંગેની ફરિયાદ પર તપાસ કે સર્ચ કરી રહ્યા હોય તેણે નિર્વિવાદપણે આવા સર્ચ કે જપ્તી માટે ટ્રેડમાર્કના ઉલ્લઘન માટે રજિસ્ટ્રારનો અભિપ્રાય લેવાની જરૂર રહે છે. આ કેસમાં એફઆઇઆરમાં રજિસ્ટ્રારનો અભિપ્રાય લેવાયો હોય તેવું કયાંય આવતુ નથી. કાયદામાં નિર્દિષ્ટ આદેશાત્મક જોગવાઇઓનું ઉલ્લંઘન કરવાનો આ સ્પષ્ટ કેસ છે. વળી, ફરિયાદીને આવી ફરિયાદ દાખલ કરવાની સત્તા હોવાનું પ્રસ્થાપિત કરવામાં પણ તે નિષ્ફળ રહ્યા છે. ટ્રેડ માર્ક રજિસ્ટ્રારના ટ્રેડમાર્ક ઉલ્લંઘન અંગેના અભિપ્રાય વિના આરોપીએ ખોટું ટ્રેડ માર્ક લાગુ કર્યું છે કે, વેપાર વર્ણવિત કર્યો છે તેવો અભિપ્રાય ફરિયાદી જાતે આપી શકે નહી. કેસના સંજોગો પરથી સ્પષ્ટ થાય છે કે, પ્રસ્તુત કેસમાં વૈધાનિક જોગવાઇઓનો દેખીતી રીતે ભંગ થયો છે. અમદાવાદમાં ઓટોમોબાઇલ્સનો ધંધો કરતાં વેપારી વિરૂધ્ધ આઇપીઆર વિજિલન્સ ઇન્ડિયા કંપનીના અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આરોપી દ્વારા હ્યુન્ડાઇ કંપનીના બનાવટી સ્પેર પાર્ટ્સ બનાવી માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે. જેના આધારે પોલીસે અરજદાર વેપારીની દુકાને દરોડા પાડી જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી અને તેની વિરૂધ્ધ ટ્રેડ માર્ક એકટ-1999ની કલમ-101, 102, 103, 104 અને 105 હેઠળ એફઆઇઆર દાખલ કરી હતી.

અરજદાર વેપારીના વકીલની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, ટ્રેડ માર્ક એકટની કલમ-115(4) સાથે રૂલ-110 વાંચતા તે મુજબ, આ કાયદાની કલમ-103 અને 104 હેઠળ એફઆઇઆર દાખલ કરતાં પહેલાં તપાસનીશ અધિકારીએ ટ્રેડ માર્ક ઉલ્લંઘન માટે રજિસ્ટ્રારનો અભિપ્રાય લેવો ફરજિયાત છે. પરંતુ તપાસશની અધિકારીએ રજિસ્ટ્રારનો આવો અભિપ્રાય મેળવ્યા વગર જ બારોબાર એફઆઇઆર દાખલ કરી છે, તેથી વૈધાનિક જોગવાઇઓનો ભંગ થયો છે. અરજદાર હ્યુન્ડાઇ કંપનીના બનાવટી સ્પેર પાર્ટસ વેચતા હતા તેવો કોઇ પુરાવો નથી અને તેથી કલમ-101 અને 105 હેઠળનો ગુનો પણ બનતો નથી. આવી ફરિયાદ બીજુ કંઇ નહી પરંતુ માત્ર કાયદાકીય પ્રક્રિયાના દૂરપયોગ સમાન છે.

હાઇકોર્ટે એ પણ નોંધ્યું છે કે, તપાસ પરથી કયાંય એવુ પણ સ્પષ્ટ થતુ નથી કે, ફરિયાદી આઇપીઆર વિજિલન્સ અને હ્યુન્ડાઇ કંપની વચ્ચે કોઇ કરાર હોય કે જે ફરિયાદીને નકલી ઓટો પાર્ટસના વેચાણ કે, તેની તપાસ બાબતે કોઇ અધિકૃત સત્તા આપતી હોય. ચાર્જશીટ પેપર્સ પરથી પણ સ્પષ્ટ થાય છે કે, કેસની તપાસ નારણપુરા પોલીસમથકના પીએસઆઇ દ્વારા હાથ ધરાઇ છે, તેથી તેમાં પણ કાયદાની સંબંધિત જોગવાઇનો ભંગ થયો છે કારણ કે, આવા કેસમાં ડીએસપી કે તેને સમકક્ષ હોદ્દાના અધિકારી જ આવા ગુનાની તપાસ કરી શકે. આમ, કેસના સંજોગો અને હકીકતો ધ્યાને લેતાં આ  કેસની એફઆઇઆર અને તેને આનુષંગિક કાર્યવાહી રદબાતલ ઠરાવવામાં આવે છે.