Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અરજદારને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવવાના હુકમ સામે હાઈકોર્ટમાં પડતર હોવાથી, ચુંટણી પર સ્ટે આપવા માગ કરાયેલી

વશરામ સાગઠિયાએ હાઈકોર્ટમાં અરજી કરેલી છે

Gujarat: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 15ની પેટા ચૂંટણી માટે ગુજરાત હાઇકોર્ટે  મનાઇહુકમ ફરમાવી દીધો છે. રાજકોટ મનપાની પ્રતિષ્ઠિત ચૂંટણીને લઇ કોંગ્રેસના વશરામ સાગઠિયા દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં હાઈકોર્ટે આ વચગાળાનો હુકમ આપ્યો હતો.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, 6 ઓગસ્ટ, 2023ના રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 15ની બે બેઠકો માટેની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ અંગે રાજય ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પણ જારી કરી દેવાયું છે. પરંતુ જો આ ચૂંટણી યોજાય તો અરજદારોને ભરપાઇ ના થઇ શકે તેવું નુકસાન થાય તેમ છે. કારણ કે, અરજદાર અને તેમના સાથી કોર્પોરેટર સામે પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરાવાયા તે કાર્યવાહીને પડકારતી અરજી હજુ હાઇકોર્ટમાં પડતર છે. ભવિષ્યમાં જો આ કેસમાં ચુકાદો અરજદારની તરફેણમાં આવે તો પછી આ ચૂંટણીનું પરિણામ નિરર્થક સાબિત થશે. જો પડતર રિટ અરજીમાં અરજદાર જીતી જાય તો તેમને હોદ્દા પર પુનઃ નિયુકત કરવા પડે અને જો ચૂંટણી સ્ટે ના થાય અને યોજાઇ જાય તો જીતેલા ઉમેદવાર હોદ્દા પર બેસે. તો એક જ હોદ્દા પર બે ઉમેદવારને બેસાડવાની ભારે વિમાસણભરી પરિસ્થિતિનું નિર્માણ થાય. આ સંજોગોમાં અરજદારોની પક્ષાતર ધારા હેઠળની કાર્યવાહીને પડકારતી રિટનો આખરી નિકાલ ના આવે ત્યાં સુધી હાઇકોર્ટે તાત્કાલિક ધોરણે વોર્ડ નંબર 15ની ચૂંટણી સ્ટે કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઇ આમ આદમી પાર્ટીમાં જોડાઇ જતાં તેમને ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા. જો કે, તાજેતરમાં બંનેએ ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી. રાજકોટ મ્યુનિસપલ કોર્પોરેશનમાં 72 બેઠકોમાંથી 68 બેઠકો પર ભાજપનો કબ્જો છે.