Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

કચ્છના આઈજી એટલા વ્યસ્ત છે કે તેઓ એસપીનો ફોન ઉપાડતા નથી - હાઈકોર્ટ

હાઈકોર્ટની રાજ્ય સરકારને ટકોર, પોલીસમાં લોકોનો વિશ્વાસ ઉઠી જાય તેવુ નહીં પરંતુ ભરોસો બેસે તેવુ કામ કરો

શું એસપીને તેના આઈજીને ફોન કરતા ડર લાગે છે ? – હાઈકોર્ટ

તપાસ અધિકારીના વલણથી ચોંકી ઉઠ્યા છીએ, શું સરકારને આ વાત અનુભવાતી નથી ? – હાઈકોર્ટ

હત્યાના કેસમાં આરોપીએ હાઈકોર્ટમાં જામીન અરજી કરેલી છે.

કચ્છ જિલ્લામાં હત્યાના એક કેસમાં આરોપીએ કરેલી જામીન અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે. પોલીસ કેસમાં એવી પારદર્શી તપાસ કરે કે જેથી લોકોનો તેમના પર વિશ્વાસ બેસે નહીં કે પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જાય. હાઈકોર્ટે સરકાર, કચ્છ રેંજના આઈજી અને ગાંધીધામના એસપીની ઝાટકણી કાઢતા કહેલુ કે શું આઈજી એટલા વ્યસ્ત રહે છે કે તેઓ એસપીનો ફોન ઉપાડવાનો પણ સમય નથી કે પછી એસપીને તેમના આઈજીને ફોન કરવાનો ડર લાગે છે ? મહત્વનુ છે કે હાઈકોર્ટના નિર્દેશ બાદ, કચ્છ રેંજના આઈજી અને એસપી કોર્ટમાં હાજર રહ્યા હતા.

હાઈકોર્ટ રાજ્ય સરકારને એ પણ ટકોર કરેલી કે તેમની સમક્ષ જામીન અરજી આવેલી છે, જો કેસની તપાસમાં કંઈ ચુક રહી ગઈ હોય કે તપાસ અધિકારીની લાપરવાહી હોય અને કોર્ટના ધ્યાનમાં આ વાત અને કોર્ટ આ અંગે જવાબદાર પોલીસ અને તેમના ઉચ્ચ અધિકારીને  આ અંગે જાણ ન કરીએ તો કોર્ટ તેની ફરજ ચુકી ગણાય અને એટલે જ આ બાબત પોલીસને કહીએ છીએ. આ પ્રકારની બેદરકારી સ્વીકારી ન શકાય. આ કેસ કોઈ દારૂની બે બોટલ લઈ જવાનો નથી પરંતુ હત્યાનો કેસ છે. જેમાં પોલીસની તપાસની બેદરકારીથી કોઈ વ્યક્તિને જિંદગીભર માટે જેલમાં જવાનો વારો આવી શકે છે. આ કેસ અંગે પોલીસના ઉચ્ચ અધિકારીએ ડીજીપીને જાણ કરેલી છે. ત્યારે આશા રાખીએ છીએ આ કેસમાં પારદર્શી કાર્યવાહી થશે. આ કેસમાં અરજદારનો આરોપ છે કે કેસના તપાસ અધિકારીએ સાક્ષીઓને નિવેદન બદલવાનુ કહ્યું છે. આ વાત ખરેખર ચોંકાવનારી છે. શું સરકારને આ વાતની જાણ થઈ તો તેને કંઈ અનુભવ્યુ નથી? આ કેસની ચાર્જશીટમાં અરજદાર સામેના પુરાવા રજૂ કરાયા છે, પરંતુ તેની તરફેણના પુરાવા કેમ રજૂ કરાયા નથીપહેલા ક્લીન ચીટ આપે અને પછી ચાર્જશીટમાં તેને ભાગેડુ તરીકે દર્શાવાય છે. આ બંને બાબત ખરેખર વિપરીત છે. ફરિયાદીએ તેની તરફેણના પુરાવા સંબંધિત વાતને રજૂ કરવા માટે 23-04-23ના રોજ તપાસ અધિકારી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીને અરજી કરીને રજૂઆત કરેલી. જો કે, કોઈએ તેને ધ્યાને ન લીધી અને તેને કચરાના ઢગલામાં ફેંકી દીધી. આ બાબતે સરકારે શું પગલા લીધા છે?  

સુનાવણી દરમિયાન, સરકારી વકીલની રજૂઆત હતી કે આ કેસમાં બલિનો બકરો બનાવવાની વાત પણ હોય શકે છે, જો કે તપાસ અધિકારીએ આવુ વલણ ક્યાં સંજોગોમાં અપનાવ્યુ તે તપાસનો વિષય છે.  આ કેસની એસપી અને આઈજીપીએ પણ નોંધ લીધી છે અને રાજ્યના ડીજીપીને પણ જાણ કરાઈ છે. આ કેસની સમગ્ર બાબતમાં યોગ્ય તપાસ કરાશે અને જે પણ સત્ય હશે તે કોર્ટ સમક્ષ રજૂ કરાશે. આ ઉપરાંત, જવાબદાર પોલીસ અધિકારી સામે પણ નિયમ મુજબ પગલા લેવાશે.

કેસની વિગત જોઈએ તો, કચ્છ જિલ્લામાં એક હત્યાના કેસમાં આરોપી તરીકે જેનુ નામ છે, તે વ્યકિતએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરેલી છે. અરજદારના વકીલની રજૂઆત હતી કે આ કેસમાં થયેલી ચાર્જશીટમાં તેની સામેના પુરાવા રજૂ કરાયા છે, પરંતુ તેની તરફેણમાં જે પુરાવા છે તેને રજૂ કરાયા જ નથી. કેસના શરૂઆતના નિવેદનોમાં તેની હાજરી બતાવાયેલી, જો કે બાદમાં તપાસ આગળ વધતા સ્પષ્ટ થયેલુ કે ઘટના સ્થળે તે હાજર ન હતા પરંતુ અન્ય સ્થળે તે હાજર હતા. આ બંને બાબતો ચાર્જશીટમાં દર્શાવવાની જરૂર હતી, પરંતુ પોલીસે માત્ર તેની વિરૂદ્ધના પુરાવા જ દર્શાવેલા છે.

આ પણ વાંચો : ખોટુ સોગંદનામુ કરવાનો મામલો: હાઈકોર્ટે અરજદારની પત્ની સામે જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યુ