Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે, કર્મચારીની હકાલપટ્ટીના કેસમાં જો નોકરીદાતાની ભૂલ-ચૂક હોય તો લેબર કોર્ટ સો ટકા પાછલુ વેતન મંજૂર કરી શકે. આ ચુકાદા સાથે હાઇકોર્ટે કર્મચારીને સંપૂર્ણ પાછલા વેતન સાથે નોકરીમાં પુનઃસ્થાપિત કરવા અંગેના લેબર કોર્ટના હુકમને યથાવત રાખ્યો છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે જણાવ્યું હતું કે, કર્મચારીની હકાલપટ્ટીના કેસમાં એ પ્રસ્થાપિત સિધ્ધાંત છે કે, નોકરીમાં પુનઃસ્થાપિતની સાથે પાછલા વેતનનો હુકમ આપોઆપ જોડાયેલો હોતો નથી. પરંતુ જો નોકરીદાતાના પક્ષે કોઇ ભૂલ કે ક્ષતિ સ્પષ્ટ થઇ હોય તેવા સંજોગોમાં કર્મચારીને સો ટકા પાછલા વેતનનો લાભ મળી શકે. મૂળભત સિદ્ધાંત એ છે કે, પોતાની ભૂલનો લાભ કોઇને મળવો જોઇએ નહી. લેબર કોર્ટના કર્મચારીને સો ટકા પાછલા વેતન સાથે નોકરીમાં પુનઃસ્થાપિત કરવાના હુકમને કાયમ રાખતા સીંગલ જજના આદેશની સામે હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ અપીલ કરાયેલી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે, આ એક કર્મચારીને ખોટી રીતે ભોગ બનાવવાનો કેસ છે અને લેબર કોર્ટ તેમ જ સીંગલ જજના આદેશને પડકારતી અપીલમાં કોઇ મહત્વના ગ્રાઉન્ડ રજૂ થયા નથી.

નોકરીદાતા કંપનીના વકીલની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, નોકરીમાં પુનઃ સ્થાપિતની સાથે સો ટકા પાછલા વેતનનો લાભ મળવાપાત્ર નથી. પ્રત્યેક કેસના સંજોગો અલગ હોય છે, તેથી લેબર કોર્ટ અને સીંગલ જજનો આદેશ ભૂલભરેલો છે. બીજી તરફ, કર્મચારીના વકીલની રજૂઆત હતી કે, કર્મચારીની ખોટી રીતે નોકરીમાંથી હકાલપટ્ટી કરાઇ હતી અને તેથી સુપ્રીમકોર્ટના પ્રસ્થાપિત સિદ્ધાંત મુજબ, નોકરીદાતાને તેની ખુદની ભૂલનો લાભ મળી શકે નહી. ખોટી રીતે નોકરીમાંથી હકાલપટ્ટીના કેસમાં સળંગતા સાથે નોકરીમાં પુનઃસ્થાપન અને પાછલા વેતન એ મુખ્ય નોર્મ્સ છે.